નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ની આગાહી મુજબ આ વર્ષે પણ નૈઋત્યનું ચોમાસું નબળું રહેશે તેવી શક્યતા છે. કેન્દ્રીય અર્થ સાયન્સ પ્રધાન ડો. હર્ષવર્ધને કહ્યું કે લાંબા ગાળાના સરેરાશ મુજબ આ વર્ષે ૯૩ ટકા વરસાદ પડશે તેવો અંદાજ છે. તેમાં પાંચ ટકા વધ-ઘટ થવાની સંભાવના છે. સરેરાશ કરતાં વધુ વરસાદ થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. સામાન્ય વરસાદનો અર્થ એ થાય કે દેશમાં આ સિઝનમાં છેલ્લાં ૫૦ વર્ષમાં પડેલાં સરેરાશ ૮૯ સેન્ટિમીટર વરસાદના ૯૬ ટકાથી ૧૦૪ ટકા સુધીનો વરસાદ પડે. ગયા વર્ષે ૯૫ ટકા વરસાદ પડશે તેવી વિભાગે આગાહી કરી હતી. ગયા વર્ષે ૧૨ ટકા ઓછો વરસાદ પડ્યો હતો.
જોકે હર્ષવર્ધને કહ્યું હતું કે સરેરાશ કરતાં ઓછા વરસાદની આ આગાહીથી ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સરકારે નબળું ચોમાસું રહેવાના સંજોગોમાં પૂરતી તૈયારી કરી છે.