લંડનઃ વડા પ્રધાન મોદી ૧૪ નવેમ્બરે લંડનમાં આંબેડકર ભવનનું પણ ઉદ્ઘાટન કરશે. નોર્થવેસ્ટ લંડનમાં કિંગ હેન્રી રોડ પરનો ૨૦૫૦ ચોરસ ફીટનો ત્રણ માળનો બંગલો મહારાષ્ટ્ર સરકારે સપ્ટેમ્બર મહિનામાં રૂપિયા ૩૧ કરોડ (૩.૧ મિલિયન પાઉન્ડ)ની કિંમતે ખરીદી લીધો છે. આ સ્થળને ‘ભારત રત્ન’ ડો. ભીમરાવ રામજી આંબેડકર આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ અને સ્મારકમાં રૂપાંતરિત કરાયું છે. ભારતીય બંધારણના ઘડવૈયા ડો. આંબેડકર ૧૯૨૧-૨૨ દરમિયાન લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે આ સ્થળે રહેતા હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના સહકારથી ભીમરાવ આંબેડકર ઉચ્ચ શિક્ષા લેવા લંડન ગયા હતા.
વડા પ્રધાને તેમના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં કહ્યું હતું કે લંડનસ્થિત આંબેડકર ભવન હવે ભારત સરકારની માલિકીનું છે અને આપણા સહુ માટે પ્રેરણાસ્રોત છે. વડા પ્રધાન મોદીએ ૧૧ ઓક્ટોબરે મુંબઈની મુલાકાત સમયે ડો. બાબાસાહેબ આંબેડકરની ચૈત્ય ભૂમિ નજીક તેમના વિશાળ સ્મારકનો શિલાન્યાસ કર્યો ત્યારે આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસે જણાવ્યું હતું કે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કરવા દર વર્ષે બે દલિત વિદ્યાર્થીને આંબેડકર ફેલોશિપ આપવામાં આવશે.