નવી દિલ્હીઃ લોકો આઈઆઈએમ જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટયૂટમાં પ્રવેશ મેળવવા માટે પડાપડી કરતાં હોય છે, બાદમાં નોકરી મેળવીને લાખો રૂપિયા કમાવા અને અતિ વૈભવી જીવન જીવવાના સપનાં જોતાં હોય છે. શિવજિત પેયને નામના યુવકે આ બંને સપનાં પૂરાં કર્યાં, તેણે આઇઆઇએમમાં અભ્યાસ પૂર્ણ કરીને લંડનમાં લાખો રૂપિયાના પગારની નોકરી પણ મેળવી, પરંતુ તેનું કંઇક બીજું જ વિચારતું હતું. તેનું ધ્યાન તો ગ્રામીણ ભારતની સમસ્યાઓ પર જ હતું. તે આજે આ લાખો રૂપિયાની નોકરી છોડીને ગ્રામીણ ભારતમાં સમાજસેવા કરી રહ્યો છે.
શિવજિતે ગ્રામીણ ભારતને સુધારવા માટે વિદર્ભથી શરૂઆત કરી છે, તેને આમ કરવામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની યૂથ ફોર ઇન્ડિયા પ્રોગ્રામની મદદ મળી, તે હાલ મહારાષ્ટ્રના સૌથી દુષ્કાળ પ્રભાવિત વિસ્તાર વિદર્ભમાં કામ કરી રહ્યો છે. આ વિસ્તારમાં ખેડૂતોએ દેશમાં સૌથી વધુ આત્મહત્યા કરી છે. અહીં તે ખેડૂતોને ખેતી અંગે માર્ગદર્શન આપી રહ્યો છે, સાથે આ તેમનાં બાળકોને અંગ્રેજીથી લઇને કમ્પ્યૂટર વગેરેનું શિક્ષણ આપી રહ્યો છે.