હનુમાનગઢઃ રાજસ્થાનના હનુમાનગઢમાં આઠ માસનો ગર્ભ ધરાવતી એક યુવતીએ પાંચ કિલોમીટરની દોડ લગાવીને તેની શારીરિક ક્ષમતાનું અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ મહિલાએ પોલીસ ભરતીની પરીક્ષા દરમિયાન ફક્ત ૩૪ મિનિટમાં પાંચ કિલોમીટરની દોડ પૂરી કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ખાસ વાત તો એ છે કે દોડ પૂરી કરવા માટે ૩૫ મિનિટનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ સુમન નામની આ મહિલાએ આ દોડ એક મિનિટ બાકી હતી ત્યારે પૂરી કરી દીધી હતી અને તેને પોલીસમાં નોકરી મળી પણ છે. સુમને લેખિત પરીક્ષા અગાઉ જ પાસ કરી ચૂકી છે. સુમને દોડ પૂરી કરવામાં ઘણી છોકરીઓને પાછળ રાખી દીધી હતી.
રનિંગ ઈવેન્ટ પૂરો થયા પછી પોલીસ અધિકારીઓએ પણ સુમનના ખૂબ વખાણ કર્યાં હતાં. બાદમાં સુમને કહ્યું હતું, ‘આ સ્થિતિમાં દોડ પૂરી કરવી તે મોટો પડકાર હતો, પરંતુ કારકિર્દીની દૃષ્ટિએ તે મહત્ત્વનું પણ હતું.’ સુમને આ સફળતા હાંસલ કરી ત્યારે તેનો આત્મવિશ્વાસ વધારવા તેનું આખું કુટુંબ હાજર હતું. સુમન કહે છે કે મેં જૂન-૨૦૧૪માં કોન્સ્ટેબલની ભરતી માટેની લેખિત પરીક્ષા આપી હતી. જાન્યુઆરી ૨૦૧૫માં રિઝલ્ટ આવ્યું. હું પાસ થઈ ગઈ હતી. તેનો મને આનંદ હતો, પરંતુ બે મહિના પછી શારીરિક સજ્જતાની પરીક્ષા હતી. મારી ગર્ભાવસ્થાનો આઠમો મહિનો હતો, પણ મેં નિશ્ચય કરી લીધો હતો કે ગમે તે થાય હું આ પરીક્ષા પાસ કરીશ. ડોક્ટરને આ વિશે પૂછયું તો તેમણે પરવાનગી આપી. મારી સાથે દોડનારી છોકરીઓ રસ્તામાં બેસી જતી હતી પરંતુ હું ક્યાંય રોકાઈ નહીં.’
સુમનનાં ડોક્ટર શિપ્રા શર્મા કહે છે, ‘સુમન ખૂબ હિંમતવાળી છે. તેની લગન જોઈને જ મેં તેને ટેસ્ટમાં સામેલ થતાં અટકાવી નહોતી. દોડ લગાવવામાં તકલીફ નહોતી, પણ પગ લપસી જાય તો જોખમ હતું.’ સુમનના પિતા વતનરામ બીએસએફમાં રહી ચૂક્યા છે અને સસરા રાજવીર સિંહ ચૂનિયા જેલર છે, જ્યારે પતિ પ્રદીપકુમાર પણ પોલીસમાં ભરતી થવાનો પ્રયાસ કરી રહ્યા છે.