નવી દિલ્હીઃ દેશના ૬૭મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ રાષ્ટ્રજોગ સંદેશામાં જણાવ્યું હતું કે, આતંકવાદ ઉન્માદવાદી લક્ષ્યાંકોથી પ્રેરિત છે. નફરતથી સંચાલિત આતંકવાદ નિર્દોષ લોકોના સામુહિક સંહાર દ્વારા વિધ્વંસમાં લાગેલી કઠપૂતળીઓ દ્વારા ભડકાવાઇ રહ્યો છે. આતંકવાદ કોઇ પણ સિદ્ધાંત વિનાની લડાઇ છે અને આ એક એવા પ્રકારનું કેન્સર છે જેનો ઇલાજ ધારદાર છરી વડે કરવો પડશે.
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે આતંકવાદ સારો કે ખરાબ હોતો નથી. તે ફક્ત એક બુરાઇ જ છે. આતંકવાદ સમગ્ર વ્યવસ્થાને નબળી બનાવવા માગે છે. જો અપરાધીઓ મર્યાદાઓ ઓળંગવામાં સફળ થશે તો આપણે અરાજકતાના યુગ તરફ આગળ વધી જઇશું.
રાષ્ટ્રપતિએ સંસદમાં અટકી ગયેલા જીએસટી ખરડાના સંદર્ભમાં કાયદાના ઘડવૈયાઓ (સંસદ સભ્યો) અને સરકારને જણાવ્યું હતું કે, આર્થિક સુધારા અને પ્રગતિશીલ ખરડા સુનિશ્ચિત કરવા તેમનું કર્તવ્ય છે. નિર્ણય લેવામાં વિલંબથી વિકાસની પ્રક્રિયાને નુકસાન થશે. વિકાસ મજબૂત બનાવવા માટે આપણને આર્થિક સુધારાની જરૂર છે. આ વાત સુનિશ્ચિત કરવી કાયદો ઘડનારાઓનું પરમ કર્તવ્ય છે.
પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે, ભારતમાં દરેક વ્યક્તિને સ્વસ્થ, ખુશહાલ અને સફળ જીવન જીવવાનો અધિકાર છે. પ્રદૂષણનું ભયાનક સ્તર વટાવી ચૂકેલા શહેરોમાં આ અધિકારનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. જ્યારે શિક્ષણ અંગે તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ તેના જ્ઞાનવર્ધક પ્રભાવથી માનવ વિકાસ અને સમૃદ્ધિ લાવે છે. દેશમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ લાવવાની જરૂર છે.