નવી દિલ્હી, પઠાણકોટઃ ભારતમાં થઇ રહેલા આતંકવાદી હુમલાઓ પાછળ પોતાનો કોઈ હાથ નથી તેવો સતત દાવો કરતા રહેલા પાકિસ્તાનની પોલ ખોલતું એક ફોન રેકોર્ડીંગ બહાર આવ્યું છે. પઠાણકોટ એરબેઝ પર હુમલો કરનારા આતંકીઓમાંના એક નાસિરે પહેલી જાન્યુઆરીની સવારે ૯:૨૦ કલાકે અપહૃત જ્વેલર રાજેશ વર્માના મોબાઇલ ફોનથી પાકિસ્તાન કોલ કર્યો હતો. પઠાણકોટ એરબેઝમાં સંતાયેલા નાસિરે પાકિસ્તાનના ફોન નંબર ૯૨૩૦૦૦૯૫૭૨૧૨ પર કોલ કરી તેના ચાચા અને માતા સાથે વાત કરી હતી. જેમાં આતંકી નાસિર તેની માતાને હુમલાની માહિતી આપતો સાંભળવા મળે છે. નાસિરે બે ભારતીયોની હત્યા કર્યાની માહિતી આપતાં જ પાકિસ્તાન સ્થિત તેની માતાએ તેને આશીર્વાદ આપ્યા હતા. આ તમામ વાતચીત પરથી એવું પણ સ્પષ્ટ થાય છે કે નાસિર આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાની તેની માતાને જાણ હતી.
નાસિર અને તેની માતા વચ્ચે થયેલી વાતચીતના અંશોઃ
નાસિરઃ શશશશશઅસ્સલામ ઓ આલૈકુમ. નાસિર બોલી રહ્યો છું.
કાકાઃ વાલૈકુમ સલામ, ક્યાં છે? સલામત છે?
નાસિરઃ હું બીજા દેશમાં છું. અમ્મી ક્યાં છે?
ચાચાઃ લે... વાત કર.
માઃ મારા દીકરા ક્યાં છે તું? સલામત તો છે ને?
નાસિરઃ અમે હિંદુસ્તાનમાં છીએ. તારા દીકરાએ બે કાફિરોની ગળું કાપીને હત્યા કરી નાખી છે, હવે અમે અંતિમ હુમલા માટે તૈયાર છીએ. બીજા લોકો પકડાઇ જવાના ડરથી ભયભીત હતા, પરંતુ મેં તેમને કહ્યું કે હિંદુસ્તાનથી ડરવાની જરૂર નથી.
માઃ તું જાંબાઝ છે, બહાદુર છે, અલ્લાહ તને જન્નત બક્ષે.
નાસિરઃ મેં એ જ જેકેટ પહેર્યું છે જે તેં મારા માટે સીવ્યું હતું, હવે એ જ મારું કફન બનશે.
માઃ પરંતુ તમે હિંદુસ્તાનમાં ઘુસ્યા કેવી રીતે ?
નાસિરઃ અમે મોટી એસયુવી ગાડીઓમાં આવ્યા હતા. લેન્ડક્રુઝરમાં અમને સરહદ સુધી પહોંચાડવામાં આવ્યા.
માઃ તમારી પાસે કંઇ ખાવાનું હતું?
નાસિરઃ હા, કેટલોક સૂકોમેવો અને ચોકલેટ, બસ.
માઃ શું તેં કાફિરોની હત્યા કરી?
નાસિરઃ અત્યારે હું વિગતે વાત કરી શકીશ નહીં, આ આપણી છેલ્લી વાતચીત હશે. તમે તેને રેકોર્ડ કરી લો. બાબર, જ્યારે ઉસ્તાદ મારી શહાદતના સમાચાર આપે ત્યારે તમે બધા એક દાવતનું આયોજન કરજો.
શંકા સાચી ઠરી રહી છે
ભારતીય સુરક્ષા એજન્સીઓને શંકા હતી તે વાત એનઆઈએની તપાસમાં સાચી ઠરી રહી છે. એનઆઈએએ શોધી કાઢયું છે કે એરબેઝમાં રહેલી કોઈ વ્યક્તિએ જ આતંકવાદીને અંદર પ્રવેશવામાં મદદ કરી હતી. તેમને પુરાવા મળ્યા છે કે એરબેઝની ૧૦ ફૂટ ઊંચી દીવાલ પર લાગેલા તાર અંદરથી કાપવામાં આવ્યા હતા. તાર કપાયા બાદ જે રીતે ફેલાયેલા મળ્યા છે તેના પરથી સંકેત મળી રહ્યા છે કે તાર અંદરથી જ કપાયા હતા.