શ્રીનગરઃ પહેલગામમાં બનેલી આતંકી ઘટના સાથે સંકળાયેલી ધ્રુજાવી દેતી વાતો હવે બહાર આવી રહી છે. આ ઘટનાના સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે આતંકીઓએ પહેલા એક પ્રવાસીને તેનું નામ પૂછયું અને પછી તેના માથામાં ગોળી મારી દીધી હતી. આ પછી અંધાધુંધ ફાયરિંગ કરીને તેઓ ફરાર થઈ ગયા હતા. આ આતંકી હુમલાના મૃતકોમાં કેટલાક સ્થાનિક લોકો પણ સામેલ છે. આતંકી હુમલાના મૃતકોમાં હૈદરાબાદના આઇબી વિભાગના અધિકારી મનીષ રંજનનો પણ સમાવેશ થાય છે, જેઓ કાશ્મીર ફરવા માટે ગયા હતા.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2019માં પુલવામા આતંકી હુમલા બાદ કાશ્મીરમાં આ બીજો સૌથી મોટો આતંકી હુમલો છે, તો કલમ 370 લાગુ થયા બાદ આ સૌથી મોટો આતંકી હુમલો છે.
નેવી ઓફિસરનું પણ મોત
પહેલગામ આતંકી હુમલામાં ઇન્ડિયન નેવીએ પોતાના જવાન ઓફિસર 26 વર્ષીય વિનય નરવાલને પણ ખોયો છે. નેવીમાં લેફ્ટનન્ટ ઇન ઓફિસરનાં 19 એપ્રિલે લગ્ન થયાં હતાં, જે બાદ તેઓ પત્ની સાથે પહેલગામ હનીમૂન પર ગયા હતા, જ્યાં આતંકી હુમલામાં તેમનું મોત થયું હતું.
અમરનાથ યાત્રા પહેલાં જ હુમલો
ઉલ્લેખનીય છે કે પહેલગામમાં થયેલો આતંકી હુમલો એવા સમયે થયો છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાનો પ્રારંભ થવાનો જ છે. આ યાત્રાનો બેઝ કેમ્પ પણ પહેલગામમાં જ છે. કાશ્મીરમાં ટૂરિઝમ હાલમાં પિક પર છે, કારણ કે દેશના મોટાભાગનાં રાજ્યોમાં હાલ ભારે ગરમી ચાલી રહી છે.
દિલ્હી-મુંબઈમાં એલર્ટ જાહેર
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેનાપ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે વાત કરી અને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી તેમને જરૂરી સૂચનો આપ્યાં હતાં. હુમલાના વિરોધમાં જમ્મુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે બુધવારે જમ્મુ બંધનું એલાન આપ્યું છે. પહેલગામમાં આતંકી હુમલા બાદ દિલ્હી અને મુંબઈમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસને પર્યટન સ્થળો અને અન્ય મહત્ત્વપૂર્ણ સ્થાનો પર સતર્ક રહેવાના નિર્દેશ અપાયા છે. બીજી તરફ મુંબઈ પોલીસે પણ તમામ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ અને ઝોનલ ડીસીએસપીને પોતાના વિસ્તારમાં સતર્ક રહેવા આદેશ અપાયો છે.