આનંદીબહેનને ‘બલિની બકરી’ કરી દેવાથી ભાજપ ગુજરાતમાં બચી નહીં જાય

Thursday 04th August 2016 06:06 EDT
 
 

નવીદિલ્હી: આનંદીબહેન પટેલે ગુજરાતના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવાનો પ્રસ્તાવ મૂક્યા પછી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમને ‘બલિના બકરા’ સાથે સરખાવ્યા હતા. ત્રીજી ઓગસ્ટે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આનંદીબહેનને ‘બલિની બકરી’ બનાવી દેવાથી ભાજપ ગુજરાતમાં બચી નહીં જાય. ગુજરાત ભડકે બળે છે એ પાછળ નરેન્દ્ર મોદીનું ૧૩ વર્ષનું શાસન જવાબદાર છે.

રાહુલ ગાંધીએ આનંદીબહેનનો આડકતરો બચાવ કરતાં કહ્યું હતું કે, ગુજરાતમાં જે કંઈ થઈ રહ્યું છે એ માટે આનંદીબહેનનું બે વર્ષનું શાસન બિલકુલ જવાબદાર નથી. બલિના બકરા શોધી કાઢવાથી ભાજપ ગુજરાતમાં બચી નહીં જાય.

આનંદીબહેને ફેસબુક પર રાજીનામાનો પ્રસ્તાવ મૂકતી વખતે કહ્યું હતું કે, મેં ૭૫ વર્ષ પૂરાં કર્યાં હોવાથી રાજીનામું આપી રહી છું. જોકે, આ વાતને કોંગ્રેસે ફગાવી દીધી હતી. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યાનુસાર, આ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. થોડા સમય પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો હતો. આ દેખાવથી ભાજપ હાઈ કમાન્ડમાં ડર બેઠો છે.

આ ઉપરાંત ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી ભાજપ સામે પાટીદારોનો રોષ ભભૂકી રહ્યો છે. બીજી તરફ, દલિત અત્યાચાર મુદ્દે દલિત સમાજ પણ ભાજપ પર ભડક્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter