ભુવનેશ્વર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન પ્રસંગે 50થી વધુ દેશોમાંથી આવેલા ભારતવંશીને સંબોધતા કહ્યું હતું કે આજે તમે સૌ ઓડિશાની જે મહાન ધરતી પર ભેગા થયા છો તે પણ ભારતના સમૃદ્ધ વારસાનું પ્રતિબિંબ છે. ઓડિશામાં ડગલે ને પગલે વારસાના દર્શન થાય છે. સેંકડો વર્ષો પૂર્વે પણ ઓડિશાથી આપણા વેપારીઓ લાંબી સફર ખેડીને સુમાત્રા, જાવા જેવા સ્થળોએ જતા હતા. ઓડિશામાં આજે પણ બાલી યાત્રાનું આયોજન થાય છે. દુનિયામાં જ્યારે તલવારના જોરે સામ્રાજ્ય વધારવાનો સમય હતો ત્યારે આપણા સમ્રાટ અશોકે અહીં શાંતિનો માર્ગ પસંદ કર્યો હતો. આપણા વારસાનું આ જ બળ છે કે જેની પ્રેરણાથી આજે ભારત દુનિયાને કહી શકે છે કે ભવિષ્ય યુદ્ધમાં નહીં, બુદ્ધમાં છે.’
વિદેશ મંત્રાલય અને ઓડિશા સરકાર દ્વારા સંયુક્તપણે આયોજિત ત્રણ દિવસના આ સંમેલનની થીમ ‘વિકસિત ભારતની સંકલ્પનામાં પ્રવાસી ભારતીયોનું યોગદાન’ હતી. પ્રવાસી ભારતીય સંમેલનમાં વિશ્વના 50થી વધુ દેશોના ભારતવંશીઓએ મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સંમેલનના સમાપન પર્વે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે વિવિધ દેશોમાં વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન આપનારા 27 ભારતવંશીઓને પ્રવાસી ભારતીય એવોર્ડથી સન્માનિત કરાયા હતા. જેમાં યુકેના બેરોનેસ ઉષા પરાશરનો પણ સમાવેશ થાય છે.
વડાપ્રધાને એમ પણ જણાવ્યું હતું કે, આપણે માત્ર લોકશાહીની જનેતા નથી પણ લોકશાહી આપણા જીવનનો હિસ્સો છે. આપણે વિવિધતા શીખવાડવાની નથી. આપણું જીવન જ વિવિધતા પ્રદાન કરે છે. આ જીવંત તહેવારોનો સમય છે. પ્રયાગરાજમાં મહાકુંભ શરૂ થઈ રહ્યો છે. મકરસંક્રાંતિ, બિહુ, પોંગલ અને લોહડી જેવા તહેવારો આવી રહ્યા છે. સર્વત્ર આનંદમય વાતાવરણ છે. મેં હંમેશા ભારતીય સમુદાયને ભારતના રાષ્ટ્રદૂત માન્યા છે.’
પ્રવાસી ભારતીય એક્સપ્રેસને લીલી ઝંડી
વડાપ્રધાને પ્રવાસી ભારતીયો માટેની ખાસ પર્યટક ટ્રેન ‘પ્રવાસી ભારતીય એક્સપ્રેસ’ને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલી ઝંડી પણ આપી હતી. દિલ્હીના નિઝામુદ્દીન સ્ટેશનથી રવાના થયેલી આ ટ્રેન પ્રવાસી ભારતીયોને ત્રણ અઠવાડિયા સુધી દેશભરના પર્યટક અને ધાર્મિક સ્થળોની યાત્રા કરાવશે. જેમાં અયોધ્યા, રામેશ્વરમ, મદુરાઈ, કોચી, ગોવા, પટના, ગયા, વારાણસી, મહાબલીપુરમ્, એકતા નગર (કેવડિયા), અજમેર, પુષ્કર અને આગ્રા સહિતના સ્થળોનો સમાવેશ થાય છે. 45થી 65 વર્ષના NRIs માટે આ ટ્રેન સેવા વિદેશ મંત્રાલયની પ્રવાસી તીર્થ દર્શન યોજના હેઠળ IRCTCના સહયોગથી શરૂ કરાઈ છે. ટ્રેનમાં કુલ 156 સીટ છે.