નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી જુલાઈથી આફ્રિકાના ચાર દેશોની મુલાકાતે રવાના થયા હતા. પાંચ દિવસના વિદેશપ્રવાસ દરમિયાન તેઓએ મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા, તાન્ઝાનિયા અને કેન્યાની મુલાકાત લીધી હતી અને ૧૧મી જુલાઈના રોજ તેઓ સ્વદેશ પાછા ફર્યા હતા.
પ્રવાસના પ્રથમ ચરણમાં મોઝામ્બિક પહોંચેલા મોદીએ પાંચમીએ ફિલિપ ન્યૂસી સાથે દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરી હતી. મોદી અને ન્યૂસી વચ્ચે યુવા બાબતો, ખેલકૂદ, દાળની આયાત, માદક પદાર્થ અને રસાયણના ગેરકાયદે વેપારને રોકવા સહિતની સાત સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. આયાત મુદ્દે દાળ અંગેની સમજૂતીને મહત્ત્વની ગણાય છે. કેન્દ્ર આ સમજૂતીથી દેશમાં દાળની કિંમતમાં થતા વધારાને રોકવા માગે છે. આ ઉપરાંત કેફી દ્રવ્યોની હેરાફેરીને રોકવા બંને દેશો સહમત થયા હતા. મોદીએ આ તબક્કે કહ્યું હતું કે, બંને દેશો ત્રાસવાદથી પ્રભાવિત છે અને સાથે મળીને ત્રાસવાદનો સામનો કરશે.
દાળના ભાવનો ઉકેલ
ભારતમાં મોઝામ્બિક દાળની સમજૂતી થતાં મોઝામ્બિક હવે ભારત માટે તુવેર અને અડદ ઉત્પાદન કરશે. ભારત સરકારે મોઝામ્બિકમાં દાળની ખેતી માટે ઉચ્ચ ગુણવત્તાનું બિયારણ અને ટેકનિકલ સહાય પૂરી પાડવા તૈયારી બતાવી છે.
મોદીએ ૩૦ એસયુવી કાર આપી
અહીંની સરકારને ૪૫ લાખ ડોલર એટલે કે અંદાજે ૩૦ કરોડ રૂપિયાની ડોલરની ગ્રાન્ટ આપી છે. મોદી સરકારે આફ્રિકાના આ દેશને ૩૦ એસયુવી કાર આપી હતી. આ પહેલાં આ દેશના ઈનોવેશન એન્ડ ટેકનોલોજીલ ડેવલપમેન્ટને ભારત તરફથી ચાર બસ દાન તરીકે અપાઈ હતી. કાર ભેટ આપ્યા બાદ મોદીએ ત્યાં વસતા ભારતીય નાગરિકોને સંબોધ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે મને ખ્યાલ છે કે મારા હોમટાઉન ગુજરાતના કચ્છથી પણ અહીં ઘણા આવી વસ્યા છે અને તેઓ વિકાસના પંથે છે.
વૈશ્વિક મુદ્દે ભારત-દ.આફ્રિકા એકસાથે થાય
મોદી છઠ્ઠીએ દક્ષિણ આફ્રિકા પહોંચ્યા હતા. પ્રમુખ જેકબ જુમા અને અન્ય રાજકીય પક્ષોના નેતાઓ સાથેની મુલાકાતોમાં મોદીએ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ડિફેન્સ પ્રોડક્શન, મેન્યુફેક્રિંગ, માઇનિંગ એન્ડ મિનરલ્સ વગેરે ક્ષેત્રે જોડાણ અંગે ચર્ચા કરી હતી. મોદીએ આ દરમિયાન જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ જે મુદ્દાઓનો સામનો કરી રહ્યું છે તે માટે ભારત અને આફ્રિકાએ એકસાથે આગળ આવવું જોઈએ. મોદીએ કહ્યું કે, ડિફેન્સના સાધનો બનાવવા માટે, ડિફેન્સ પ્લેટફોર્મ માટે હાલમાં ભારત ખૂબ જ સારો દેશ છે. ભારત અને દક્ષિણ આફ્રિકા આ ક્ષેત્રમાં જોડાણ કરે તો એકબીજાની જરૂરિયાતને પૂરી પાડી શકે છે. એનએસજી ગ્રૂપમાં ભારતને સ્થાન મળે તે માટે દક્ષિણ આફ્રિકાએ જાહેર કરેલા સમર્થન બદલ પણ મોદીએ જુમાનો આભાર માન્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, અમને ખ્યાલ છે કે દક્ષિણ આફ્રિકા જેવા મિત્રરાષ્ટ્રો સતત ભારતને સમર્થન આપતા રહે છે. આ સિવાય ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઇન્ફર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી, ગ્રાસરૂટ ઇનોવેશન ટૂરિઝમ તથા આર્ટ અને કલ્ચરલ પ્રોગ્રામ અંગે ચાર કરાર થયા હતા.
ગાંધી જેટલા ભારતના તેટલા આફ્રિકાના
જુમા સાથેની જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સમાં મોદીએ જણાવ્યું કે, મહાત્મા ગાંધી જેટલા ભારતના છે. તેટલા જ દક્ષિણ આફ્રિકાના પણ છે. મારા માટે સૌથી મોટી અને સૌભાગ્યની વાત એ છે કે, હું આ ધરતી પર રહેલા બે મહાપુરુષો મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાને શ્રદ્ધાંજલિ આપવાની તક મેળવી શકીશ.
મોદીએ HOPEનો મંત્ર આપ્યો
જોહાનિસબર્ગમાં મોદીએ ૧૫,૦૦૦ ભારતીયોને સંબોધન કર્યું હતું. મદીબા શર્ટ પહેરીને આવેલા મોદીનું ડોમમાં હાજર હજારો ભારતીયોએ ઉમળકાથી મોદીનું સ્વાગત કર્યું હતું. મોદીએ ભારતીયોને HOPEનો મંત્ર આપ્યો હતો. જેમાં H એટલે હાર્મની-સમરસતા O એટલે ઓપ્ટમિઝમ-આશાવાદ P એટલે પોટેન્શિયલ-પ્રતિભા E એટલે એનર્જી -ઊર્જાને કારણે ભારતનો વિકાસ થયો છે તેમ તેમણે કહ્યું હતું. ભારતને તમે લેન્ડ ઓફ અપોર્ચ્યુનિટી તરીકે પણ ગણી શકો છે. ૧૨૫ કરોડ ભારતીયોને કારણે આ શક્ય બન્યું છે. તેમણે મારામાં અને મારી સરકારમાં વિશ્વાસ મૂક્યો છે.
આ પ્રવાસ મારા માટે તીર્થયાત્રાઃ મોદી
નોંધનીય છે કે મોદીએ ડરબન-પીટરમેરિત્ઝબર્ગ વચ્ચે ટ્રેનની સફર પણ કરી હતી. પીટરમેરીત્ઝબર્ગ તે રેલવે સ્ટેશન છે કે જ્યાં મહાત્મા ગાંધીજીને ૧૮૯૩માં બ્લેક ઇન્ડિયન કહીને ટ્રેન બહાર ફેંકી દેવાયા હતા. મોદી પેન્ટ્રીકથી ટ્રેનમાં બેસીને પીટરમેરિત્ઝબર્ગ પહોંચ્યા હતા. ટ્રેનમાંથી ઉતરીને મોદીએ કહ્યું હતું કે, ‘આ પ્રવાસ એક તીર્થયાત્રા સમાન છે, કારણ કે મેં તે સ્થળનો પ્રવાસ કર્યો છે જે ભારતીય ઇતિહાસ અને મહાત્મા ગાંધીના જીવનની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે.’ આ સ્ટેશને રંગભેદને કારણે મહાત્મા ગાંધીને ૧૮૯૩માં એક ટ્રેનની બહાર ફેંકી દેવાયા હતા. તેમણે કહ્યું હતું કે, ‘આ તે સ્થાન છે, જ્યાંથી મોહનદાસે મહાત્મા બનવાની સફર શરૂ કરી હતી.’ મોદી પેન્ટ્રીક રેલવે સ્ટેશનેથી ટ્રેનમાં સવારથયા હતા અને ક્વાઝુલુ-નતાલ પ્રાંતની રાજધાની પીટરમારિત્ઝબર્ગ પહોંચ્યા હતા. મોદીએ સ્ટેશનના વેઇટિંગ રૂમમાં ‘ધ બર્થ પ્લેસ ઓફ સત્યાગ્રહ’ નામક એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું.
ભારત વિશ્વની સૌથી ઓપન ઈકોનોમી
મોદીએ આફ્રિકન કંપનીઓના સીઈઓને પ્રિટોરિયામાં આમંત્રિત કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે ભારત વિશ્વની સૌથી ઓપન ઈકોનોમી છે. અહીં વિવિધ ક્ષેત્રોમાં તમે રોકાણ કરી શકો છો. મોદીએ સંબોધન કર્યું ત્યારે પ્રમુખ જુમા પણ હાજર હતા.
કેન્યા અને ભારત વચ્ચે સાત સમજૂતી
સોમવારે ભારત અને કેન્યા વચ્ચે સાત સમજૂતી થઈ હતી. બંને દેશો દ્વારા સંયુક્ત રીતે જાહેર કરવામાં આવેલાં નિવેદન અનુસાર તેમણે સંરક્ષણ, હાઉસિંગ ડેવલપમેન્ટ, બેવડો કર અવગણવા, અને નાણાકીય ધોવાણ અટકાવવાના ક્ષેત્રે કરારો કર્યા છે. ઉપરાંત રાજદ્વારી પાસપોર્ટ ધરાનારા લોકોને બંને દેશો વિઝાની પ્રક્રિયામાંથી મુક્તિ આપે તે માટેના કરારો પણ કરાયા છે. કેન્યા ખાતે ૧૦૦ પથારી ધરાવતી કેન્સર હોસ્પિટલની સ્થાપના માટે નરેન્દ્ર મોદીની હાજરીમાં ભારત તરફથી ૩૦ એમ્બ્યુલન્સ અને ટેલિકોબાલ્ટ કેન્સર થેરપી મશીન પણ ભેટમાં અપાયા હતા.
તાન્ઝાનિયાને વિકાસ માટે લોન
૧૧મીએ તાન્ઝાનિયાને વિકાસ અને પાંચ કરાર હેઠળ ૯૨ મિલિયન ડોલર એટલે કે આશરે રૂ. ૬૧૮ કરોડની લોન આપવાની જાહેરાત મોદીએ કરી હતી. આ દરમિયાન મોદી અને તાન્ઝાનિયાના પ્રમુખ જ્હોન પોમ્બે જોસેફ માગુફૂલીએ એક બેઠક યોજીને આ પાંચ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તાન્ઝાનિયા કુદરતી સ્રોતોથી સમૃદ્ધ રાષ્ટ્ર છે, જે ભારત જેવા વિકાસશીલ દેશ માટે અત્યંત ઉપયોગી છે. બીજી તરફ, ભારતે તાન્ઝાનિયાને વિકાસની જરૂરિયાતોને પૂરી કરવામાં મદદરૂપ થવાની ખાતરી આપી છે.