નવી દિલ્હીઃ દેશમાં આફ્રિકનો સામેની તાજેતરમાં સર્જાયેલી હિંસક ઘટનાઓ વંશીય પ્રકારની ન હતી. ભારતમાં આફ્રિકન વિદ્યાર્થીઓની સુરક્ષાની ખાતરી કરવા સરકાર દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યાં છે. રાજ્યસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પણ જણાવ્યું કે ભારતમાં કોઈ વંશીય ભેદભાવ થવો જોઈએ નહીં.
દિલ્હીના વસંતકુજમાં મે મહિનામાં કોંગોના નાગરિક મસોન્ડા કેટાડાની હત્યા અંગે સુષ્મા સ્વરાજે જણાવ્યું કે, વંશવાદને કારણે કોંગોના નાગરિકોની હત્યા કરવામાં આવી ન હતી. સીસીટીવી ફૂટેજ તેનો પુરાવો છે. ફૂટેજમાં કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા કોંગોના નાગરિકને મારતા અને આસપાસના કેટલાક લોકો તેને બચાવવાનો પ્રયાસ કરી રહેલા હોવાનું બતાવવામાં આવ્યું છે.