નવી દિલ્હીઃ દેશમાં અમુક મહિનાઓથી અસહિષ્ણુતા મુદ્દે છાશવારે વાતાવરણ ગરમ બની જતું હોય છે. હવે તેમાં વધુ એક નામનો ઉમેરો થયો છે. ખ્યાતનામ અભિનેતા આમિર ખાન સરકારના વિરોધમાં ઊતરી આવ્યો છે. પ્રતિષ્ઠિત રામનાથ ગોએંકા એવોર્ડ સમારોહમાં ૨૨મી નવેમ્બરે આમિરે સાહિત્યકારો અને ફિલ્મકારો દ્વારા એવોર્ડ વાપસી અભિયાનનું સમર્થન કરતાં દેશમાં વ્યાપેલા અસહિષ્ણુતાના માહોલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, આતંકવાદને કોઈ ધર્મ સાથે જોડવો ન જોઇએ. જ્યારે પણ તમે કોઈ હિંસાની ઘટના જુઓ છો ત્યારે તેને આતંકવાદી જાહેર કરી દો છો અને તેની પર કોઈ ચોક્કસ ધર્મનું ટેગ લગાવી દેવામાં આવે છે. આતંકવાદને કોઈ ધર્મ નથી હોતો. હું ફક્ત મુસ્લિમોનો જ નહીં તમામ લોકોનો પ્રતિનિધિ છું.
આમિરે સાથે એવું પણ કહ્યું હતું કે, બાળકોની સુરક્ષાને લઇને ભયભીત તેની પત્નીએ એકવાર તેને દેશ છોડવાની વાત કરી હતી. પત્ની કિરણ રાવે તેને એક વખત કહ્યું હતું કે, આપણે ભારત છોડીને ક્યાંક જતાં રહીએ.
આમિરના આ નિવેદનના કારણે બોલીવુડની હસ્તીઓથી લઈને રાજકીય ક્ષેત્રમાંથી આમિરની ટીકા થઈ રહી છે. અનુપમ ખેર, પરેશ રાવલ, રામ ગોપાલ વર્મા, અભિનેતા-નેતા મનોજ તિવારી ઉપરાંત લેખિકા તસલીમા નસરીને આમિરના નિવેદનને વખોડ્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ આમિર પર ટીકાઓનો મારો ચલાવ્યો છે. આમિરના નિવેદન બાદ ભાજપના સાંસદ સાક્ષી મહારાજે આમિરને સીધેસીધો સવાલ પૂછ્યો કે, આમિરની પત્ની તાલિબાનમાં રહેવા માગે છે કે ઈરાનમાં? તો બીજી તરફ કોંગ્રેસ આમિરના સમર્થનમાં ઉતરી આવી છે અને રાહુલ ગાંધીએ આમિરના સમર્થનમાં હોવાનું જાહેર કર્યું છે.
આમિર સામે ફરિયાદ
આમિરના નિવેદનથી નારાજ એક ડોક્યુમેન્ટરી મેકરે દિલ્હીના ન્યૂ અશોક નગર પોલીસ સ્ટેશનમાં આમિર સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદીનું કહેવું છે કે, અસહિષ્ણુતા પર અભિનેતાના તાજેતરના નિવેદનથી દેશની છબીને મોટો ધક્કો પહોંચ્યો છે અને તેનાથી લોકોની ભાવનાઓ પણ દુભાઈ છે. ફરિયાદીએ સવાલ કર્યો છે કે આમિર ખાનને ભારતમાં કઈ વાતનો ડર છે?
બિહાર - ઉત્તર પ્રદેશમાં દેખાવો
આ ઘટનાના પગલે પટના અને અલાહાબાદમાં ભાજપના કાર્યકર્તાઓ સડક પર ઉતરી આવ્યા છે અને તેમણે આમિર ખાનના પોસ્ટરો પર કાળો કૂચડો ફેરવ્યો છે. ઘણાં સ્થાનોએ પર પોસ્ટરો પણ સળગાવ્યા છે.
કોંગ્રેસનું કાવતરુંઃ ભાજપ
ભાજપના નેતા શાહનવાઝ હુસેને ૨૩મી નવેમ્બરે આ મામલે કહ્યું હતું કે, આમિર પબ્લિસિટી માટે આવું નિવેદન કરી રહ્યો છે. આ દેશે આમિરને પ્રેમ અને સન્માન આપીને સ્ટાર બનાવ્યો છે. આમિર આ પ્રકારના નિવેદનથી ડરી રહ્યો નથી, પરંતુ પ્રજાને ડરાવી રહ્યો છે. આમિરે કંઈ પણ કહેતાં પહેલાં વિચારવું જોઈએ કે અતુલ્ય ભારત ક્યારેય અસહિષ્ણુ ન હોઇ શકે. કોંગ્રેસ અને પક્ષના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આમિરને સમર્થન આપ્યું છે એ બાબતે હુસેને કહ્યું હતું કે, અસહિષ્ણુતાનો માહોલ પેદા કરીને કોંગ્રેસ દ્વારા દેશને બદનામ કરવાનું આ રાજકીય ષડયંત્ર છે. કોંગ્રેસ ચૂંટાયેલી સરકાર અને લોકપ્રિય વડા પ્રધાનને સહન કરી શકતી નથી. જ્યારે દેશ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે ત્યારે કોંગ્રેસ દેશની છબી ખરાબ કરવાનો માહોલ બનાવી રહ્યો છે.