મિચોંગ વાવાઝોડાએ વીતેલા સપ્તાહે દક્ષિણ ભારતને ધમરોળ્યું હતું. ભારે વરસાદના ચેન્નઈમાં ચોમેર પાણી ફરી વળ્યા હતા. આ પૂરમાં અન્ય હજારો લોકોની સાથે બોલિવૂડ સ્ટાર આમિર ખાન પણ ફસાઈ ગયો હતો. આમિર તેની બીમાર માતાની દેખભાળ માટે છેલ્લા કેટલાય દિવસોથી ચેન્નઈમાં હતો. ત્યાં તે તમિલ એક્ટર વિષ્ણુ વિશાલ અને તેની પત્ની તથા જાણીતી બેડમિન્ટન પ્લેયર જવાલા ગટ્ટાના ઘરે રોકાયો હતો. તેમનું ઘર જે વિસ્તારમાં છે તે જળબંબાકાર બની જતાં આમિર તથા આ સેલિબ્રિટી યુગલની હાલત કફોડી બની હતી. આખરે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે એક બોટ મોકલી આ ત્રણેયનું રેસ્ક્યૂ કરી તેમને સલામત સ્થળે મોકલ્યા હતા.
આમિરના માતા ઝિન્નત હુસૈન લાંબા સમયથી બીમાર છે અને તેઓ ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં પથારીવશ છે. બીમાર માતાની સાથે રહી શકાય તે માટે આમિર બે-ત્રણ મહિના માટે મુંબઈ છોડી દઈ ચેન્નઈમાં શિફ્ટ થઈ ગયો છે. અહેવાલો અનુસાર ગત ઓક્ટોબરથી આમિર મોટાભાગે ચેન્નઈમાં જ વસવાટ કરી રહ્યો છે. ભારે વરસાદ દરમિયાન વિષ્ણુ વિશાલના ઘરમાં પણ પાણી ઘૂસી જતાં તેણે આ વાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતાં લખ્યું હતું કે ઘરમાં પૂરનાં પાણી ઘૂસી ગયાં છે. 24 કલાકથી લાઈટ નથી. ઘરમાં પીવાનું પાણી પણ ખૂટવા આવ્યું છે. વીજળી નહીં હોવાથી મોબાઈલ ચાર્જ થઈ શક્યો નથી અને વાઈફાઈ પણ ચાલતું નથી. ઘરમાં મોબાઈલ સિગ્નલ પણ આવતું નથી. માત્ર ટેરેસ પર એક જગ્યાએ સ્હેજ સિગ્નલ આવે છે ત્યાંથી હું મદદ માટે પોકાર કરી રહ્યો છું. મને અને મારી સાથેના લોકોને ટૂંક સમયમાં મદદ મળે તેવી આશા છે.’ આ સાથે વિષ્ણુએ ચોમેર પાણીથી ઘેરાયેલા તેના ઘરની તસવીરો પણ પોસ્ટ કરી હતી. આ દરમિયાન, રાહત અને બચાવ કામગીરી દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ આ વિસ્તારમાં પહોંચી હતી અને તેણે આમિર, વિષ્ણુ વિશાલ તથા જવાલા ગટ્ટાને એક બોટમાં બેસાડી સલામત જગ્યાએ પહોંચાડયાં હતાં. વિષ્ણુએ જ પોસ્ટ કરેલા ફોટોમાં તે , આમિર ખાન તથા જવાલા ગટ્ટા બોટમાં બેઠેલાં તથા અન્ય એક ફોટામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સાથે દેખાય છે. વિષ્ણુએ તેમને ઉગારનારા સૌનો આભાર માન્યો હતો.