વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે પાંચ વર્ષની આર્થિક સમજૂતી થઈ છે. જે અનુસાર, આગામી પાંચ વર્ષમાં ચીને ૨૦ બિલિયન ડોલર એટલે કે ૧૨૦૦ બિલિયન રૂપિયાના રોકાણનું વચન આપ્યું છે. હાલ બન્ને દેશો વચ્ચે ૯૬૦ બિલિયન રૂપિયાનો વેપાર થાય છે જે વધારવા પણ બન્ને દેશો સંમત થયા છે. જિનપિંગે નરેન્દ્ર મોદીને આવતા વર્ષે ચીન આવવાનું પણ આમંત્રણ આપ્યું છે. તેમણે જણાવ્યું કે જ્યારે બન્ને દેશ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે.
પ્રમુખ શી જિનપિંગના ભારત પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે જમીનથી માંડીને અંતરીક્ષને આવરી લેતા વિવિધ ક્ષેત્રે ભલે ૧૨ કરારો થયા હોય, પણ જપાનની સરખામણીએ ચીન પાછળ રહ્યું છે. નરેન્દ્ર મોદીના જપાન પ્રવાસ દરમિયાન તેમણે ભારતમાં પાંચ વર્ષમાં ૨૧૦૦ બિલિયન રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.
સરહદી વિવાદ ઉકેલોઃ મોદી
અમદાવાદમાં ૧૭ સપ્ટેમ્બરે પ્રમુખ જિનપિંગનું ભવ્ય સ્વાગત થયા બાદ બીજા દિવસે ભારત-ચીન વચ્ચે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસમાં શિખર વાર્તા યોજાઈ હતી. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લદાખ સરહદ પર ચીની સૈન્યની ઘુસણખોરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ચીની રાષ્ટ્રપતિને જણાવ્યું હતું કે ચીનના સૈનિકો લદાખમાં વારંવાર ઘુસણખોરી કરે છે અને તેના કારણે ભારતીય સૈન્ય પણ ત્યાં આવી જાય છે અને બંને વચ્ચે તણાવ વધે છે. જો બંને દેશ વેપાર અને સંબંધો સુધારવા અંગે વિચારતા હોય તો પહેલાં શાંતિ સ્થપાવી જોઈએ. મોદીએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે સરહદી વિવાદનો અંત લાવવા માટે સરહદ પર એલઓસી (એક્ચુઅલ લાઇન ઓફ કન્ટ્રોલ)ની સ્પષ્ટતા થવી જોઈએ. આ મુદ્દો વર્ષોથી અટવાયેલો છે. અલબત્ત, બંને દેશોએ આતંકવાદ અને અતિવાદ સામે લડવા માટે એકબીજાને સહયોગ આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
સીમા વિવાદના મુદ્દા અંગે પ્રતિક્રિયા આપતા ચીનના પ્રમુખે જણાવ્યું હતું કે, સરહદ પર નાની-મોટી ઘટનાઓ બની શકે છે, પરંતુ બોર્ડર મિકેનિઝમની મદદથી બંને દેશ સ્થિતિ સંભાળી લેવામાં સક્ષમ છે, જેથી બંને દેશોના સંબંધો પ્રભાવિત ન થાય.
ક્યા ક્ષેત્રે સમજૂતી કરારો?
ભારત-ચીને ૧૨ સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતી હેઠળ ચીન આગામી પાંચ વર્ષમાં ભારતમાં ૨૦૦૦ કરોડ ડોલરનું રોકાણ કરશે. દોઢ કલાકની શિખરવાર્તામાં બંને દેશો વચ્ચે મુખ્યત્વે સંબંધો અને વિકાસને ગતિ આપવા અંગે ચર્ચા થઈ હતી. બંને દેશો વચ્ચે કૈલાસ માનસરોવરનો નવો માર્ગ ખોલવા પણ સહમતી સધાઈ છે.
ચીનના પ્રમુખે વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો. જે ૧૨ કરાર પર હસ્તાક્ષર થયા છે. તેમાં...
• પાંચ વર્ષ માટે ભારત-ચીન વચ્ચે આર્થિક સમજૂતી • દવા બનાવવા કરાર • ભારતમાં રેલવે વિકાસમાં મદદ • ચીન દ્વારા ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવો • બન્ને દેશો વચ્ચે કસ્ટમ નિયમોને સરળ કરવા • સાંસ્કૃતિક આદાન-પ્રદાન • મુંબઈને શાંઘાઈ જેવું બનાવવા માટે સમજૂતી • ઓડિયો-વિઝ્યુઅલ મીડિયા ક્ષેત્રમાં વિકાસમાં મદદ • ગુજરાત અને મહારાષ્ટ્રમાં બે ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું નિર્માણ • અંતરીક્ષ ક્ષેત્રે પરસ્પર સહકાર વધારવો • દિલ્હી પુસ્તક મેળો-૨૦૧૬માં ચીન ભાગ લેશે અને • ચીન ૨૦૧૫માં ‘ભારત યાત્રા વર્ષ’ જ્યારે ૨૦૧૬માં ભારત ‘ચીન યાત્રા વર્ષ’ મનાવશે.
માનસરોવર સુધી કારપ્રવાસ
ભારત-ચીને ભારતીયોના આસ્થાના કેન્દ્ર સમા માનસરોવર જવાનો નવો માર્ગ ખુલ્લો મુકવા અંગે સહમતી સાધી છે. હવે ભારતીયો તિબેટના રસ્તે માનસરોવર જઈ શકશે. અત્યાર સુધી યાત્રાળુઓએ ઉત્તરાખંડના માર્ગથી જવું પડતું હતું, જે જોખમી હતું. આ નવા માર્ગે શ્રદ્ધાળુઓ ગાડીમાં છે કે, માનસરોવર સુધી જઈ શકશે.
નરેન્દ્ર મોદીને આમંત્રણ
વડા પ્રધાન મોદીના વતન ગુજરાતની મુલાકાતથી ખુશ ચીનના પ્રમુખ શી જિનપિંગે પારસ્પરિક લાગણી હેઠળ મોદીને પોતાના ગૃહ રાજ્ય શિયાનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. જ્યાં લગભગ ૨૦૦૦ વર્ષ અગાઉ ભારતથી પરત આવ્યા પછી પ્રસિદ્ધ બોદ્ધ સાધુ હિઉઅન ત્સાંગે પોતાના અંતિમ વર્ષો પસાર કર્યા હતાં. જિનપિંગનું ગૃહ રાજ્ય શિયાન પ્રસિદ્ધ પ્રવાસ સ્થળ છે, જ્યાં ટેરાકોટા યોદ્ધાઓ સાથે સંકળાયેલી કલાકૃતિઓ લોકપ્રિય છે. ચીનના પ્રમુખે જણાવ્યું હતું કે સાતમી સદીના ચીની બોદ્ધ સાધુ હિઉઅન ત્સાંગ બોદ્ધ ધર્મ ગ્રંથોને શોધવા ૧૬ વર્ષ સુધી ભારતમાં રહ્યા હતાં.
જિનપિંગ ખુલ્લા મનનાઃ લામા
ચીનના પ્રમુખ જિનપિંગ ખુલ્લા મનના અને વાસ્તવિક છે, એમ તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આપસી વિશ્વાસથી ચીન-ભારતના સંબંધો સારા બનશે તો એશિયા સાથે આખી દુનિયાને તેનો લાભ થશે. ભાઈચારો વિશ્વાસથી લાવી શકાય છે અને ડરથી નહીં, એમ તેમણે જણાવ્યું હતું. મને નવી આગેવાનીમાં શ્રદ્ધા છે. જિનપિંગ ખુલ્લા મનના છે, તેમની કામ કરવાની શૈલી વાસ્તવિક છે.
ચીનના પ્રમુખે પરંપરા નિભાવી
ભારતની મુલાકાતે આવનાર ચીનના દરેક નેતાઓની એ પરંપરા રહી છે કે તેઓ ડો. દ્વારકાનાથ કોટનિસના પરિવારને અચૂક મળે છે. આ પરંપરા પ્રમુખ જિનપિંગે પણ નીભાવી હતી. તેમણે ડો. કોટનિસના બહેન મનોરમાની મુલાકાત લીધી હતી અને ચીની સૈનિકોની સારવાર કરતાં કરતાં મોતને ભેટેલા ડો. કોટનિસને યાદ કર્યા હતા. પ્રમુખ જિનપિંગ ડો. કોટનિસના બહેનને મળી શકે અને તેમનો સત્કાર કરી શકે એ માટે વ્હીલચેરમાં જ બેસતાં ૯૩ વર્ષના મનોરમા માટે મુંબઇ સ્થિત ચાઇનીઝ કોન્સુલેટ જનરલે ખાસ વિમાનની વ્યવસ્થા કરી હતી. ઉલ્લેખનીય છે કે એક ભારતીય સર્જન તરીકે ૧૯૪૨માં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ચીનમાં ચીની સૈનિકોની સારવાર કરતાં કરતાં અવસાન પામેલા ડો. કોટનિસને ચીનમાં એક મહાત્માની જેમ પુજવામાં આવે છે.