નવી દિલ્હી: બિહાર ચૂંટણીમાં મહાગંઠબંધનના સફળ થવાથી ઉત્સાહિત રાજદ, જદયુએ આસામ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મહાગઠબંધન બનાવવાની જાહેરાત કરી છે. આમાં તેનો ત્રીજો સાથી એઆઇયુડીએફ રહેશે. જાણકારોનું માનવું છે કે, જો બદરુદ્દીન અજમલની પાર્ટી કિંગ નહીં બને તો કિંગમેકર જરૂર બની શકે છે. અહીં ૪૦ બેઠકો એવી છે જ્યાં મુસ્લિમોની વસ્તી વધારે છે. એઆઇયુડીએફ અહીં મુખ્ય વિપક્ષી પાર્ટી છે જેણે ૨૦૧૧ વિધાનસભા ચૂંટણીમાં ૧૮ બેઠકો પર જીત મેળવી હતી. આરજેડી અને જેડીયુ ગઠબંધને ભાજપ સામે લડવા માટે કોંગ્રેસને પણ તેમની સાથે જોડાવા આમંત્રણ આપ્યું છે.
નોંધનીય છે કે, બિહારમાં ત્રણેય પાર્ટીઓએ મળીને એનડીએ ગઠબંધનને હરાવ્યું હતું. અત્યાર સુધી અહીં કોંગ્રેસે પણ નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે જેમાં એબીએસયુ અને યુપીપીનો સમાવેશ થાય છે. બીજી તરફ ભાજપે પણ ચૂંટણી પહેલા ગઠબંધન રચી લેતાં આસામ ગણ પરિષદ અને બોડોલેન્ડ પીપલ્સ પાર્ટીને સાથે લીધી છે.