આસામમાં ભરબજારમાં ફાયરિંગઃ ૧૪નાં મૃત્યુ

Saturday 06th August 2016 06:01 EDT
 
 

કોકરાઝાર: આસામમાં પાંચમી ઓગસ્ટે ઉગ્રવાદીઓએ મોતનું તાંડવ કર્યું હતું. ભાગલાવાદી બોડો જૂથના મનાતા આતંકીઓએ સેનાના વેશમાં કોકરાઝરના ગીચ બજારમાં અંધાધૂંધ ગોળીબારો કર્યા હતા અને ISની સ્ટાઈલમાં હેન્ડગ્રેનેડ ફેંક્યા હતા. જેમાં ૧૪ લોકોનાં મૃત્યુના અને ૨૦ લોકોને ઈજા થયાના અહેવાલ છે. પાંચ જેટલા આતંકવાદીઓએ આ હુમલાને અંજામ આપ્યો હોવાનું મનાય છે અને સુરક્ષાદળોની કાર્યવાહીમાં એક ઉગ્રવાદીનું મોત થયું હતું.

સેના અને સુરક્ષાદળોએ છુપાયેલા આતંકીઓને શોધવા માટે કોમ્બિંગ શરૂ કરી દીધું છે. આ ઘટનાના પગલે રાજ્યમાં હાઈએલર્ટ જારી કરાયો છે. હુમલા પાછળ નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડના ઉગ્રવાદીઓનો હાથ હોવાનું માનવામાં આવે છે. પોલીસના જણાવ્યા અનુસાર પાંચમીએ બપોરે ૧૨.૩૦ની આસપાસ પાંચથી સાત આતંકવાદીઓ એક વેનથી બાલાજી તિનિઆલી બજારમાં પહોંચ્યા હતા અને આડેધડ ગોળીબાર કરીને ફરાર થઈ ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter