આસામમાં ભાજપ ગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી

Friday 04th March 2016 02:42 EST
 

ભારતીય જનતા પાર્ટી આસામમાં કોંગ્રેસ વિરોધી ગઠબંધનનું નેતૃત્વ કરશે. ભાજપ અને અન્ય નાના સહયોગી પક્ષો ૧૨૬ બેઠકો તો આસામ ગણ પરિષદ ૨૬ બેઠકો પર ચૂંટણી લડશે. ઔપચારિક જાહેરાત કરતાં ભાજપે કહ્યું છે કે, રાજ્યમાં તેના નેતૃત્વ હેઠળ સ્થાનિક લોકો અને સામે પક્ષે કોંગ્રેસ અને યુડીએફ હશે. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, આસામમાં પક્ષ સામે બે મુખ્ય પડકારો છે. પ્રથમ તો ૧૫ વર્ષથી વિકાસ વિરોધી અને ભ્રષ્ટ શાસન ચલાવી રહેલી કોંગ્રેસની ગોગોઈ સરકારને ઉખાડી ફેંકવાનો મુદ્દો અને બાંગ્લાદેશથી આવતા ગેરકાયદે ઘૂસણખોરોને રોકવાનો મુદ્દો. ભાજપના કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનોવાલને મુખ્ય પ્રધાન જાહેર કરાયા છે.

કેરળમાં ભાજપ બીડીજેએસ સાથે

કેરળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ભારત ધર્મ જન સેવા સાથે હાથ મિલાવ્યા છે. કેટલાક બીજા પક્ષો પણ જોડાય તેવા સંકેત છે. ભાજપ નેતા અને કેન્દ્રીય નેતા જે. પી. નડ્ડાએ ૩જી માર્ચે બીડીજેએસના અધ્યક્ષ તુષાર વેલ્લાપલ્લી સાથે ગઠબંધન સધાયાની જાહેરાત કરી હતી. કેરળમાં ગયા વર્ષે ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સારો દેખાવ કર્યો હતો. પક્ષ કેરળમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષોનો એકાધિકાર ખતમ કરવા માગે છે.

કેરળ કોંગ્રેસ (એમ)માં ભંગાણ

કેરળમાં સત્તારૂઢ યુડીએફ ગઠબંધનમાં સામેલ કોંગ્રેસ (એમ)માં ફૂટ પડી છે. પૂર્વ સાંસદ ફ્રાન્સિસ જ્યોર્જે અનેક સહયોગીઓ સાથે પક્ષ છોડી દીધો છે. તેમનું કહેવું છે કે, પક્ષ પ્રમુખ કે. એમ. મણિ વંશવાદ ચલાવી રહ્યા છે. પોતાના પુત્રને પક્ષ અધ્યક્ષ બનાવવા માગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter