નવી દિલ્હીઃ આસામમાં પહેલીવાર પૂર્ણ બહુમતી સાથે સરકારની રચના કરનારા ભાજપે સત્તા સંભાળતાં જ પૂર્વોત્તરનાં રાજ્યોના વિકાસ માટે બિનકોંગ્રેસી પક્ષોનાં એક સંગઠનની રચના કરી છે. કહેવામાં આવે છે કે સંગઠન પૂર્વોત્તરનાં રાજ્યોના વિકાસ માટે કામ કરશે, તેને નોર્થ-ઇસ્ટ ડેમોક્રેટ એલાયન્સ કે 'નેડા' નામ આપવામાં આવ્યું છે. સંગઠનના વડાપદે હેમંત બિશ્વ શર્માને સ્થાન આપવામાં આવ્યું છે. હેમંત બિશ્વ શર્મા એટલે એ કોંગ્રેસની નેતા કે જેમણે તરુણ ગોગોઇને સ્પષ્ટપણે કહી દીધું હતું કે તેઓ મુખ્ય પ્રધાન બનવાનું સપનું જોઈ રહ્યા છે. ગોગોઇએ તેમને જવાબ આપ્યો હતો કે સપનાં ના જુઓ કામ કરો, પછી તેઓ રાહુલ ગાંધી પાસે પહોંચ્યા હતા ત્યાં પણ યોગ્ય પ્રતિક્રિયા ના મળતાં શર્મા ગયા વર્ષે જ ભાજપમાં જોડાયા હતા. તાજેતરમાં આસામમાં કોંગ્રેસને મળેલા પરાજયનું કારણ પણ હેમંત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.