આસામમાં ૧૨ લાખ લોકો પૂરમાં ફસાયાઃ કાઝિરંગા નેશનલ પાર્ક પાણીમાં

Wednesday 27th July 2016 08:20 EDT
 
 

નવી દિલ્હીઃ આસામ અને અરુણાચલમાં ભારે વરસાદથી ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેમાં ૧૨.૫ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. આસામના વિખ્યાત કાઝિરંગા નેશનલ પાર્કમાં પાણી ભરાઈ જતાં સજીવો ઉપર પણ ખતરો તોળાઈ રહ્યો છે. સૈન્યના રેસ્ક્યુ ઓપરેશનમાં હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આસામમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. એમાં ફરીથી વરસાદ ત્રાટક્યો હતો એટલે ફરીથી લોકોના જીવ અદ્ધર થયા છે. ૧૮ જિલ્લાના લગભગ ૧૨.૫ લાખ લોકોને પૂરની અસર થઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં કેટલાય ઘરો પાણીમાં તણાઈ ગયા હતા અને એ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરાઈ હતી. ચોમેર પાણીથી ઘેરાઈ જવાના કારણે હજુ પણ હજારો લોકોને ઘરમાં પુરાઈ રહેવા મજબૂર થવું પડયું. એ લોકોને રાહત સામગ્રી પહોંચાડવાની જવાબદારી સૈન્યએ ઉપાડી છે.

૧૨૦૬ ગામડાંના લોકો આ ભયાનક પૂરથી પ્રભાવિત થયા છે. વળી, આસામના વિખ્યાત કાઝિરંગા નેશનલ પાર્કમાં પણ ભયાનક પાણી ભરાઈ ગયું છે એટલે સજીવો ઉપર જોખમ ખડું થયું છે. સરકારના પર્યાવરણ ખાતાએ સજીવો માટેની રાહત કામગીરી પણ શરૂ કરી છે એવું એક સરકારી નિવેદનમાં કહેવાયું છે. આસામના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કહેવા પ્રમાણે લોકોને ઊંચાઈ ઉપર લઈ જવા માટે શક્ય એટલી કોશિશ થઈ રહી છે અને પૂરમાં ફસાયેલા ગામડાંમાં હેલિકોપ્ટર્સથી રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. દરમિયાન આસામ-અરુણાચલમાં ફરીથી વરસાદ શરૂ થયો હતો.

અરુણાચલ પ્રદેશમાં ૨૫મીએ અતિ ભારે વરસાદની પૂરની સ્થિતિ ગંભીર બની હતી. લગભગ ૧૦૦ પરિવારો ઘરવિહોણા થયા હતા. અરુણાચલની નોઆ-ડેહિંગ નદીમાં પૂર આવતાં લોકાંગસર્ક અને નમાસ ટાઉનશીપમાં પાણી ફરી વળ્યા હતા. લોહિત, કામલાંગ અને બેરેંગ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. હવામાન ખાતાએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મેઘાલય, બિહાર, હરિયાણા અને દિલ્હીમાં પણ વરસાદ થવાની આગાહી કરી છે. દિલ્હીમાં વરસાદના અભાવે ફરીથી તાપમાન ૩૫ ડિગ્રીએ પહોંચ્યું હતું. તો દેશના અન્ય શહેરોનું સરેરાશ તાપમાન પણ ૩૦-૩૨ સુધી રહ્યું હતું. જોકે, ૨૫મીએ બપોર પછી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, જેના કારણે વરસાદ થવાની શક્યતા ઉજળી બની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter