કોંગ્રેસ માટે ૧૯મી ડિસેમ્બર અપશુકનિયાળ મનાય છે. ૧૯ ડિસેમ્બર ૨૦૧૫ના શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને નેશનલ હેરાલ્ડ કેસમાં અદાલત સમક્ષ હાજર થવું પડયું છે. યોગાનુયોગ આ એજ દિવસ છે જ્યારે ૧૯૭૮માં પૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને સંસદની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા બાદ સંસદનું સત્ર ચાલે ત્યાં સુધી જેલમાં મોકલી અપાયાં હતાં.
તે સમયે ઇન્દિરા ગાંધી પર સંસદીય વિશેષાધિકારનું ઉલ્લંઘન કરવાનો આરોપ મુકાયો હતો, પરંતુ ધરપકડનો આદેશ મળ્યો ત્યાં સુધી ઇન્દિરા ગાંધી સંસદમાં જ બેસી રહ્યાં હતાં. અંતે રાત્રે ૮:૪૭ કલાકે તેમને સ્પીકરના હસ્તાક્ષર સાથેનો એરેસ્ટ ઓર્ડર અપાયો હતો. ધરપકડ બાદ ઇન્દિરા ગાંધી સંસદના એજ દરવાજેથી બહાર નીકળ્યાં હતાં જ્યાંથી તેઓ એક વડાં પ્રધાન તરીકે બહાર નીકળતાં હતાં.
ઇન્દિરા ગાંધીને તિહાર જેલના વોર્ડ નંબર ૧૯માં એક સપ્તાહ સુધી કેદ રખાયાં હતાં. આ દરમિયાન સોનિયા ગાંધી ઇન્દિરા ગાંધી માટે ભોજન લઇને તિહાર જેલ જતાં હતાં. આમ ફરી એકવાર ૧૯ ડિસેમ્બર કોંગ્રેસ માટે અપશુકનિયાળ સાબિત થઇ હતી. જોકે આ પહેલાં ઇન્દિરા ગાંધીની ૩ ઓક્ટોબર ૧૯૭૭ના રોજ પણ ધરપકડ કરાઇ હતી, પરંતુ ટેકનિકલ કારણોસર તેમને મુક્ત કરાયાં હતાં.
ઇન્દિરા સાથે પણ ટકરાયાં હતાં સ્વામી
એક જમાનામાં રાજીવ ગાંધીના મિત્ર ગણાતા સુબ્રમણ્યમ સ્વામી ઇન્દિરા ગાંધી સામે પણ ટકરાઇ ચૂક્યાં છે. સ્વામીએ બોફોર્સ કૌભાંડ વખતે રાજીવ ગાંધીનો ખુલ્લો બચાવ કર્યો હતો. સ્વામી ઇન્દિરા ગાંધી સામેનો કેસ કોર્ટમાં જીતી પણ ગયાં હતાં. ઇન્દિરા ગાંધીની નારાજગીના કારણે ૧૯૭૨માં સ્વામીને આઇઆઇટી દિલ્હીની નોકરી ગુમાવવી પડી હતી, પરંતુ સ્વામી ૧૯૯૧માં કેસ જીતી ગયાં હતાં.