કાનપુરઃ મધ્ય પ્રદેશના ઇન્દોરથી બિહારની રાજધાની પટના જવા રવાના થયેલી ઇન્દોર-પટના એક્સપ્રેસ ટ્રેનના ૧૪ કોચ ઉત્તર પ્રદેશના કાનપુર દેહાત જિલ્લાના પુખરાયન નજીક પાટા પરથી ખડી પડતાં ૧૩૩ પ્રવાસીનાં મૃત્યા થયા છે, જ્યારે ૨૦૦થી વધુને ઇજા પહોંચી છે. કાનપુરના ૧૦૦ કિમીના અંતરે આવેલાં પુખરાયન નજીક રવિવારે વહેલી પરોઢે ૩:૧૦ કલાકે આ દુર્ઘટના બની હતી. છેલ્લા છ વર્ષનો સૌથી ગમખ્વાર રેલવે અકસ્માત સર્જાયો ત્યારે મોટા ભાગના પ્રવાસીઓ ભર ઊંઘમાં હતાં. ઇન્દોર-પટના એક્સપ્રેસ ટ્રેનના ૪ એસી કોચ, ચાર સ્લીપર કોચ, જનરલ કોચ અને લગેજ કોચ સહિત ૧૪ ડબ્બા પાટા પરથી ખડી પડયાં હતાં. આ ડબ્બાને અત્યંત ગંભીર નુકસાન થવાને કારણે જાનહાનિનો આંક વધી ગયો હતો.
એક અહેવાલમાં ટ્રેનના ગાર્ડને ટાંકીને જણાવાયું હતું કે ડ્રાઇવરે ઇમર્જન્સી બ્રેક મારતાં ડબ્બા ખડી પડયાં હતાં. રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટ્રેનનું એન્જિન પાટા પરથી ખડી પડયું નથી તે દર્શાવે છે કે રેલવે ટ્રેકમાં ક્રેક હોવાના કારણે અકસ્માત સર્જાયો છે. દુર્ઘટનાની જાણ થતાં જ રેલવે રાજ્યપ્રધાન સહિતના રેલવેના ઉચ્ચ અધિકારીઓ, બચાવ ટુકડીઓ, પોલીસ, સેના અને એનડીઆરએફની ટુકડીઓ રાહત અને બચાવ કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મોટા ભાગના પ્રવાસીઓ ચગદાઇ ગયેલાં ડબ્બામાં ફસાયેલાં હોવાથી ક્રેઇન અને ગેસ કટર કામે લગાડાયાં હતાં. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવા ૩૦ એમ્બ્યુલન્સ કામે લગાડાઇ હતી.
પ્રવાસીઓનો આરોપઃ ફરિયાદની ઉપેક્ષા
ઇન્દોર-પટના એક્સપ્રેસના ગાર્ડનું કહેવું છે કે ટેક્નિકલ ફોલ્ટને કારણે ડ્રાઇવરે ઇમર્જન્સી બ્રેક લગાવી અને ૧૪ ડબ્બા ખડી પડતાં કરુણાંતિકા સર્જાઇ હતી. જોકે બીજી બાજુ કેટલાંક પ્રવાસીઓએ આરોપ મૂક્યો છે કે, ટ્રેન મધ્ય પ્રદેશના ઝાંસીથી રવાના થઇ ત્યારે જ ડબ્બા ઘણો અવાજ કરી રહ્યાં હતાં. રેલવેના અધિકારીઓને આ અંગે ફરિયાદ પણ કરાઇ હતી, પરંતુ બે વાર ટ્રેન રોકવા છતાં તેના પર ધ્યાન અપાયું નહોતું.
ઈન્દોર-પટણા એક્સપ્રેસના પ્રવાસીઓનું કહેવું છે કે ઈન્દોરથી રવાના થતા તેના પૈડાંમાંથી તીવ્ર અવાજ આવતો હતો. મંદસૌર જિલ્લાના સીતામઉના પ્રકાશ શર્માએ દાવો કર્યો હતો કે એસ-૨ કોચમાં હાજર રેલવે સ્ટાફને અંગે ફરિયાદ કરાઈ હતી. મેં કોચમાં હાજર કેટલાક અધિકારી અને ટીસીનું પણ આ અંગે ધ્યાન દોર્યું હતું, પરંતુ તેમણે મારી ફરિયાદની અવગણના કરી હતી. જવાબ મળ્યો હતો કે એક્સપ્રેસ ટ્રેનમાં આવો અવાજ આવતો હોય છે. આ પ્રવાસી સાંજે ચાર વાગ્યે ઉજ્જૈન ઉતરી ગયા હતા. અને મધરાત્રે આ દુર્ઘટના સર્જાઇ હતી.
પ્રકાશ શર્માની જેમ જ એક અન્ય પ્રવાસી દિલીપ પરમાનંદ સહિતના લોકોએ જણાવ્યું કે ઈન્દોરથી જ ટ્રેન અસામાન્ય રીતે ચાલતી હતી. પહેલા ક્યારેય આવું અનુભવ્યું નહોતું. ઝાંસી અને ઉરઈમાં તેની ફરિયાદ પણ કરાઈ હતી. એક અન્ય પ્રવાસી સુનિલે કહ્યું, મોઠ સ્ટેશન પહેલા જોરદાર અવાજ આવ્યો અને ટ્રેન રોકાઈ ગઈ. જાણવા મળ્યું કે ટ્રેન સાથે પશુ અથડાયા છે, જેનાથી હોજ પાઈપ તૂટી ગઈ છે. ઉરઈ સ્ટેશન પર પ્રવાસીઓએ રેલવે તંત્રને તેની માહિતી આપી હતી. ઉરઈમાં ૨૦ મિનિટ સુધી ટ્રેન રોકાયેલી રહી. સમારકામ બાદ ટ્રેનને અહીંથી રવાના કરી દેવાઈ. અને ૨૦ કિલોમીટર આગળ અકસ્માત થયો.
બીજી તરફ, રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રેલવે ટ્રેકમાં ફ્રેક્ચરના કારણે આ અકસ્માત સર્જાયો છે. રેલવે રાજ્યપ્રધાન રાજેન ગોહેને જણાવ્યું હતું કે, ટ્રેકમાં રહેલા ફોલ્ટને કારણે અકસ્માત સર્જાયો હતો.
નબળી કામગીરી કે પછી ષડયંત્ર?
આ ગોઝારા અકસ્માતને છેલ્લા છ વર્ષમાં સૌથી મોટો રેલવે અકસ્માત માનવામાં આવે છે. જોકે આ મામલે હવે રાજનીતિ પણ શરૂ થઇ ગઇ છે. ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ દાવો કર્યો હતો કે કેન્દ્રની મોદી સરકાર અને રેલવેને બદનામ કરવા માટે આ અકસ્માતને કોઇએ અંજામ આપ્યો છે.
બીજી તરફ રેલવેની કામગીરી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. જે વિસ્તારમાંથી ટ્રેન પસાર થઇ તેના પાટા નબળા હોવાના પણ દાવા થઇ રહ્યા છે. પાટામાં તિરાડો હોવાથી આ ઘટના બની હોવાના પણ અહેવાલો છે. એક રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રેનના એન્જિનને કોઇ અસર નહોતી થઇ પણ તેની પાછળના ડબ્બા ખડી ગયા હતા, જે પરથી સાબિત થાય છે કે પાટામાં ક્રેક હોઇ શકે છે.
દુલ્હનનો આખો પરિવાર મૃત્યુ પામ્યાની શંકા
ટ્રેનમાં પ્રવાસ કરતાં પેસેન્જર્સમાં એક દુલ્હનનો પણ સમાવેશ થાય છે. ૨૦ વર્ષીય રુબિ ગુપ્તાએ પોતાના પિતાને આ અકસ્માતમાં ગુમાવ્યા હોવાની શંકા છે. સમગ્ર પરિવાર સાથે રુબિ આ ટ્રેનમાં સવાર હતી. જોકે તેના ભાઇઓની પણ હજુ સુધી કોઇ ભાળ મળી નથી. આથી દુલ્હન રુબિનો સમગ્ર પરિવાર મૃત્યુ પામ્યો હોવાની ભીતિ છે. રુબિના લગ્ન પહેલી ડિસેમ્બરે યોજાવાના છે. જોકે હવે આ ગોઝારા અકસ્માતને પગલે આ લગ્નપ્રસંગ હાલ પૂરતો મોકુફ રાખવાની સ્થિતિ પેદા થઇ છે. રુબિ સિવાય કેટલાય પ્રવાસીમાંથી પણ કેટલાકે પિતા કે ભાઇ, પુત્ર વગેરેને આ અકસ્માતમાં ગુમાવ્યા છે.