મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેઈલ બ્રાન્ચની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની ચિલ્ડ્રનવેર બ્રાન્ડ ‘એડ-એ-મમ્મા’માં મોટી ભાગીદારી ખરીદી રહ્યું છે. રિલાયન્સે જણાવ્યું છે કે, તેમણે ‘એડ-એ-મમ્મા’માં 51 ટકા બહુમત ભાગીદારી માટે એક જોઈન્ટ વેન્ચર પર હસ્તાક્ષર કર્યા છે. ઉલ્લેખનીય કે, 2020માં આલિયા ભટ્ટે લોન્ચ કરેલી કિડ્સ બ્રાન્ડને ટીનએજ અને મેટરનિટી વેર સેગમેન્ટમાં પણ વિસ્તારિત કરાઈ છે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સે રોકાણની જાહેરાત કરતાં કહ્યું કે, ભાગીદારીથી બ્રાન્ડને પર્સનલ કેરથી માંડીને બાળકોની વાર્તાના પુસ્તકો સહિતની નવી શ્રેણીઓમાં વિકસિત કરવામાં આવશે. જોકે, આ ડીલ કેટલામાં થઈ છે, આ અંગે કંપનીએ માહિતી આપી નથી.
ત્રણ વર્ષ પહેલા થઈ હતી શરૂઆત
તમને જણાવી દઈએ કે, ‘એડ-એ-મમ્મા’ની વેલ્યૂ અંદાજિત 150 કરોડ રૂપિયા આંકવામાં આવી છે અને આ મુખ્ય રીતે ઓનલાઈન જ પ્રોડક્ટ્સ જ વેચે છે. બ્રાન્ડ્સની શરૂઆત કિડ્સવેરથી થઈ હતી અને કંપનીએ 4 થી 12 વર્ષની ઉંમરના બાળકોને ટાર્ગેટ કર્યા હતા. આ વર્ષની શરૂઆતમાં કંપનીએ ઈન્ફેન્ટ્સ માટે પણ ક્લોધિંગ લાઈન લોન્ચ કરી. સાથે જ, ગર્લ્સ માટે સ્લીપસૂટ્સ, બોડીસૂટ્સ અને ડ્રેસિઝ લોન્ચ કર્યા.
આલિયાએ શેર કર્યો ફોટો
આ ડિલનું એલાન કરતા એક્ટ્રેસ આલિયા ભટ્ટે પણ ઈન્સ્ટાગ્રામ પર ઈશા અંબાણીનો સાથે એક ફોટો શેર કર્યો છે. આ ફોટોની સાથે તેમણે એક લાંબી પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે કે એ જણાવતા ખુશી થઈ રહી છે કે, ‘એડ-એ-મમ્મા’ અને રિલાયન્સ રિટેલે જોઈન્ટ વેન્ચરમાં એન્ટ્રી કરી છે. આલિયાના અનુસાર, વ્યક્તિગત રીતે ઈશા અને મારા માટે, આ બંને માતાઓના એક સાથે આવવા અંગે પણ છે, આ ડીલ અમારા માટે સ્પેશ્યલ છે.