નવી દિલ્હીઃ મોદી સરકારના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે ઈ-કોમર્સ કંપનીઓની ઝડપી વૃદ્ધિ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેને કોઈ ઉપલબ્ધિના નહીં પણ ચિંતાના વિષય તરીકે ગણાવી છે. આ સાથે તેમણે ઈ-કોમર્સ સેક્ટરની કામકાજની પદ્ધતિ પર પણ ચિંતા વ્યકત કરી હતી. વાણિજ્ય પ્રધાને જણાવ્યું હતું કે ઈ-કોમર્સ કંપનીઓ ઉત્પાદનો પર ભારે ડિસ્કાઉન્ટ આપીને રિટેલ વિક્રેતાઓને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ ઉપરાંત ગોયલે ઈ-કોમર્સ કંપનીઓ પર આક્રમક મૂલ્ય નિર્ધારણ અને નાના રિટેલ વેપારીઓને સમાન તક નહીં આપવાનો આરોપ લગાવ્યો છે. નેટ ઈમ્પેક્ટ ઓફ ઈ-કોમર્સ ઓન એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ઝ્યુમર વેલ્ફેર ઈન ઈન્ડિયા વિષય પરનો રિપોર્ટ 21 ઓગસ્ટે લોન્ચ થયો હતો.