શીના બોરાની હત્યાના આરોપમાં પકડાયેલી ઈન્દ્રાણી મુખર્જી અત્યારે જ્યાં ભાયખલ્લા વુમન્સ ડિસ્ટ્રિક્ટ જેલમાં છે ત્યાં એની મુલાકાત લેવા બ્રિટિશ કોન્સ્યુલેટના અધિકારીઓએ જેલના પ્રશાસનનો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. બ્રિટિશ અધિકારીઓ ઈન્દ્રાણી મુખરજીને કાનૂની મદદની જરૂર છે કે કેમ એ જાણવા માગે છે. પોતાની જ પુત્રી શીનાની હત્યાની આરોપી ઈન્દ્રાણી મુખર્જીના લગ્ન પીટર મુખર્જી સાથે થયા હતા અને એ બ્રિટિશ નાગરિક હોવાની સાથે ઈંગ્લેન્ડનો પાસપોર્ટ ધરાવે છે. મુંબઇની બાંદરાની કોર્ટે ૧૪ દિવસની જેલ કસ્ટડીનો આદેશ આપ્યા પછી ઈન્દ્રાણી જેલમાં છે. જેલના અધિકારીઓએ બ્રિટિશ અધિકારીઓને આ બાબતે કેન્દ્ર સરકાર પાસેથી લેખિત મંજૂરી મેળવીને પાછા આવવા કહ્યું હતું.
• વેપાર-ઉદ્યોગની સુગમતા માટે ગુજરાત દેશમાં મોખરેઃ વર્લ્ડ બેંકે વેપારની સુગમતા (ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ)ની દૃષ્ટિએ વિશ્વના દેશો અને ભારતનાં રાજ્યોની યાદી જાહેર કરી છે. ભારતીય રાજ્યોની યાદીમાં ભાજપ શાસિત રાજ્યોએ બાજી મારી છે. વર્લ્ડ બેંકે જાહેર કરેલી યાદીના ટોપ ૧૦ રાજ્યોમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. આ ૧૦ રાજ્યોમાંથી ૬ રાજ્યોમાં ભાજપનું અને આંધ્ર પ્રદેશમાં એનડીએના સહયોગી પક્ષ ટીડીપીનું શાસન છે. આમ, સાત રાજ્યોમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. યાદીમાં નંબર ૧ પર આવેલા ગુજરાતમાં આનંદીબહેન પટેલની આગેવાનીમાં ભાજપનું શાસન છે.
• બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેરઃ છેલ્લા કેટલાક દિવસથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે બિહાર વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ ગત બુધવારે જાહેર થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બિહાર મુખ્ય પ્રધાન નીતિશ કુમારની લોકપ્રિયતાની કસોટી તરીકે જોવામાં આવતી આ વિધાનસભા ચૂંટણી ૧૨ ઓક્ટોબરથી પાંચમી નવેમ્બર દરમિયાન પાંચ તબક્કામાં યોજાશે. અંતિમ તબક્કાનું મતદાન થયાના ત્રણ દિવસ બાદ ૮ નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.
• બિહારમાં એનડીએમાં બેઠકોની વહેંચણીઃ લાંબીની ખેંચતાણ પછી અંતે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે એનડીએમાં ભાજપ અને તેના ત્રણ પ્રાદેશિક સહયોગી પક્ષો વચ્ચે બેઠકવહેંચણી પર સર્વસંમતિ સધાઈ છે. વધુ બેઠકો માગી રહેલા પૂર્વ મુખ્ય પ્રધાન જિતનરામ માંઝીને મનાવી લીધા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના મુખ્ય મથક ખાતે સોમવારે જાહેરાત કરી હતી કે એનડીએમાં બેઠકો મામલે કોઇ ઘમસાણ નથી. બિહારની ચૂંટણીમાં કુલ ૨૪૩ બેઠકોમાંથી ભાજપ ૧૬૦, રામવિલાસ પાસવાનની લોકજનશક્તિ પાર્ટી ૪૦, ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોકસમતા પાર્ટી ૨૩ અને જિતનરામ માંઝીનો હિન્દુસ્તાની અવામ મોરચો ૨૦ બેઠકો પર ચૂંટણી લડશે. બિહારની ચૂંટણીઓ વધુ રસપ્રદ થવાની છે. વિવાદાસ્પદ નિવેદનો માટે ખાસ ઓળખાતા ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના વડા અસદ્દુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે તેમની પાર્ટી સીમાંચલની સીટો પર ચૂંટણી લડશે.
• પેટલાવદમાં વિસ્ફોટથી ૧૦૪ લોકોનાં મોતઃ મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લાના પેટલાવદમાં ૧૨ સપ્ટેમ્બરે સવારે ૮:૩૦ કલાકે બસમથક નજીકની ભરચક રેસ્ટોરાંમાં ગેસસિલિન્ડર અને કથિત જિલેટિન સ્ટીક્સમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછાં ૧૦૪ લોકોનાં મોત થયાં હતાં અને ૧૫૦થી વધુને ઇજા પહોંચી હતી. પેટલાવદના સબડિવિઝનલ ઓફિસર ઓફ પોલીસ એ. આર. ખાને જણાવ્યું કે ઝાબુઆથી ૬૦ કિ.મી. દૂર આવેલા નાના નગરમાં સવારે સેઠિયા રેસ્ટોરન્ટની ઇમારતમાં ભયાનક વિસ્ફોટ થયો હતો, જેને કારણે આસપાસની ઇમારતોને નુકસાન થયું હતું. જેમાં દાહોદમાં જયરાજ કુસાવા, મુકેશભાઈ રાઠોડ તથા અન્ય મળી ત્રણ લોકોના મોત થયા હતા.
• સરહદે શાંતિ જાળવવા પાકિસ્તાને વચન આપ્યુંઃ છેલ્લા કેટલાક સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે જે વિવાદનો મુદ્દો રહ્યો છે તેનું સમાધાન કરવામાં બંને દેશ સફળ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન મહત્ત્વના મુદ્દે એકબીજા સાથે ચર્ચા વધારવા માટે પ્રયાસ કરવા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર શાંતિ જાળવવા માટે એકમત થયા છે. ૧૦ સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં બંને દેશોના ડાયરેક્ટર જનરલ કક્ષાની બેઠક યોજાઈ હતી. જેમાં શાંતિ માટેની ભારતીય અપીલના જવાબમાં પાકિસ્તાને વચન આપ્યું છે કે તેના સૈનિકો હવે સરહદ પર સંઘર્ષવિરામનું કડક પાલન કરશે. બેઠક માટે પાક. પ્રતિનિધિ મંડળ નવી દિલ્હી પહોંચ્યું હતું.