નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચંડ બહુમતી મળ્યા પછી દેશમાં વિદેશી મૂડીરોકાણના પ્રવાહમાં જંગી વધારો થયો છે. પરિણામો બાદ ભારતનાં ઇક્વિટી અને દેવાબજારમાં વિદેશી રોકાણકારોએ કુલ રૂ. ૫૪,૨૫૫ કરોડ ઠાલવ્યા છે, જે અન્ય મહિનામાં થયેલાં રોકાણ કરતાં સૌથી વધુ રોકાણ દર્શાવે છે. આ અગાઉ વિદેશી રોકાણકારોએ જુલાઈ ૨૦૧૪માં સૌથી વધુ રૂ. ૩૬,૦૪૫ કરોડનું રોકાણ કર્યું હતું. એક અહેવાલ મુજબ ૨૮ માર્ચ સુધીમાં દેવાં અને ઇક્વિટી માર્કેટમાં સૌથી વધુ વિદેશી રોકાણ કરવામાં આવ્યું હતું. વિદેશી રોકાણકારો દ્વારા ઇક્વિટી માર્કેટમાં કુલ રૂ. ૩૦,૨૦૩ કરોડ અને દેવાબજારમાં રૂ. ૨૪,૦૫૧ કરોડનું રોકાણ કરાયું હતું.
આ અગાઉ વર્ષ ૨૦૧૦માં ઇક્વિટી માર્કેટમાં સૌથી વધુ રૂ. ૨૮,૫૬૩ કરોડનું અને દેવાબજારમાં જુલાઈ ૨૦૧૪માં સૌથી વધુ રૂ. ૨૨,૯૩૫ કરોડનું રોકાણ કરાયું હતું. હાલ ભારતનાં બજારોમાં થયેલા કુલ રૂ. ૫૪,૨૫૫ કરોડનાં વિદેશી રોકાણે અગાઉના તમામ રેકોર્ડ તોડયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચૂંટણીનાં પરિણામોએ રોકાણકારોનો ઉત્સાહ વધાર્યો છે. કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર સત્તા પર આવતાં રોકાણકારોને રાજકીય સ્થિરતા દેખાઈ રહી છે અને આર્થિક સુધારા આગળ ધપશે તેવો વિશ્વાસ વધ્યો છે.
વિદેશી રોકાણમાં થયેલા વધારાને કારણે ભારતના બીએસઈ ઇન્ડેક્સ અને એનએસઈ ઇન્ડેક્સ પર હકારાત્મક અસરો જોવા મળી છે. શેરબજારો એક નવી ઊંચાઇએ પહોંચ્યા છે.