એક પાડોશી દેશ આતંકવાદીઓનું ઉત્પાદન અને નિકાસ કરે છેઃ મોદી

Friday 09th September 2016 03:36 EDT
 
 

વિયેન્તિયાન (લાઓસ)ઃ ચીનમાં યોજાયેલી જી-૨૦ સમિટમાં પાકિસ્તાનને ઉઘાડું પાડ્યા બાદ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આસિયાન’ બેઠકમાં પાકિસ્તાનને નિશાન બનાવીને આતંકવાદને પ્રોત્સાહન આપવાની તેની નીતિની આકરા શબ્દોમાં ટીકા કરી છે. બેઠકમાં હાજરી આપવા લાઓસ પહોંચેલા મોદીએ પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, અમારા પાડોશમાં એક દેશ એવો છે જે આતંકવાદ અને આતંકવાદીઓનું ઉત્પાદન કરે છે અને તેને એક્સ્પોર્ટ પણ કરે છે. તેને આમાં જ પોતાનો ફાયદો દેખાય છે. ઉલ્લેખનીય છે કે મોદીએ જી-૨૦ સમિટ દરમિયાન જણાવ્યું હતું કે, સાઉથ એશિયામાં એક જ દેશ એવો છે જે આતંક ફેલાવી રહ્યો છે.

‘આસિયાન’ (એસોસિએશન ઓફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ)ને સંબોધતા ભારતીય વડા પ્રધાને જણાવ્યું હતું કે, વિશ્વના મોટા ભાગના દેશો આતંકવાદ અને આતંકવાદીઓની આવી નિકાસથી પીડિત અને ચિંતિત છે. આ માટે ‘આસિયાન’ દેશોએ પણ એક થવું જોઈએ. આતંકવાદનો નિકાસ, વધતો કટ્ટરવાદ અને હિંસાનું વધતું પ્રમાણ સમાજ માટે જોખમી છે અને તેનો વિરોધ થવો જ જોઈએ. આ સમસ્યાને નાથવા માટે સહુ કોઇએ એક થવું જ પડશે. તેમણે પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓ અને આતંકવાદને અપાતા સાથ અને પ્રોત્સાહનનો મુદ્દો ઉઠાવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે અમારી પાડોશમાં આવેલા દેશને આતંકવાદનું ઉત્પાદન કરવા અને તેને એક્સ્પોર્ટ કરવામાં વધારે રસ છે. તે આમાં પોતાનો ફાયદો જુએ છે. આ કારણે સાઉથ એશિયામાં શાંતિ અને સલામતી માટેના અવસરો ઘટી રહ્યા છે. વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે આ સ્થિતિ અત્યંત જોખમી છે. તેમણે આડકતરી રીતે ચીનની ઝાટકણી કાઢવાનો અવસર છોડ્યો નહોતો. તેમણે જણાવ્યું હતું કે, સાઉથ ચાઇના સી મુદ્દે યુનાઇટેડ નેશન્સ (યુએન) દ્વારા જે નિર્ણય લેવામાં આવે તેને બધાએ માન્ય રાખવો જોઈએ.

આંગ સાંન સૂ કી સાથે પણ મુલાકાત

વડા પ્રધાન મોદીએ લાઓસમાં મ્યાંમારના સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ કી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું હતુંકે બંને દેશોના નેતાઓ દ્વારા સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી અને એકબીજાને સાથ આપવા અંગે સંકેત આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત વડા પ્રધાને લાઓસના વડા પ્રધાન થોંગલુન સિસોલિથ સાથે આતંકવાદ, નૌરક્ષા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ અને એશિયા પેસિફિક ઇકોનોમિક કો-ઓપરેશન મુદ્દે ચર્ચા કરી હતી.

મોદી મિત્ર ઓબામાને મળ્યા

યુએસ પ્રમુખ બરાક ઓબામા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મિત્રતા જાણીતી છે. મોદીએ ‘આસિયાન’ સમિટ દરમિયાન સમય કાઢીને ઓબામા સાથે વિશેષ બેઠક યોજી હતી. અત્યાર સુધીમાં આ નેતાઓ વચ્ચે આ આઠમી બેઠક હતી. સૂત્રોએ જણાવ્યું કે, બંને નેતાઓ વચ્ચે સત્તાવાર રીતે અને દેશોના વડા તરીકે આ અંતિમ બેઠક હોઈ શકે છે. ઓબામાનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થવાનો હોવાથી આ બેઠક મહત્ત્વની ગણવામાં આવી હતી. આ મુલાકાતના બે દિવસ પૂર્વે જ જી-૨૦ દરમિયાન મોદી અને ઓબામાની મુલાકાત થઈ હતી. ઓબામાએ મુલાકાત દરમિયાન જીએસટી બિલ પસાર થવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

ચીને ચુકાદો માનવો પડશેઃ ઓબામા

ઓબામાએ ‘આસિયાન’ સમિટમાં જણાવ્યું હતું કે, સાઉથ ચાઇના સી મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે આવનારા ચુકાદાને બધાએ અને ખાસ કરીને ચીને માન્ય રાખવો પડશે. બૈજિંગ દ્વારા આ વિસ્તારને પોતાનો જ માનવાનો અને કોઈ પણ નિર્ણયને બંધનકર્તા ન ગણાવાના સંકેત અપાયા બાદ ઓબામાએ આ નિવેદન કર્યું છે. તેમણે જણાવ્યું હતુ કે જુલાઈમાં આવેલા ચુકાદાએ આ વિસ્તારમાં કોના કોના અધિકાર છે તે સમજવામાં ઘણી મદદ કરી છે અને સ્પષ્ટતા કરી છે.

આ બેઠક બાદ ઓબામા ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ દુર્તેતેને પણ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે દૂર્તેતેએ ઓબામા અને તેમના માતા વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. આ મુદ્દે હોબાળો થતાં તેમણે માફી માગી હતી. સૂત્રોના મતે એક રૂમમાં બેઠક દરમિયાન બંને નેતાઓએ ચર્ચા કરી હતી.

‘આસિયાન’ બેઠકની સાથે સાથે...

• ‘આસિયાન’ બેઠકના છેલ્લા દિવસે અમેરિકાએ ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં ભારતના સ્થાનનું સમર્થન કર્યું.

• ભારતીય અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા માટે વડા પ્રધાન મોદીએ કરેલા પ્રયાસોને યુએસ પ્રમુખ ઓબામાએ બિરદાવ્યા હતા.

• પ્રમુખ ઓબામાએ સાઉથ ચાઇના સીમાં ચીનની દાદાગીરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. એટલું જ નહીં, ‘આસિયાન’ બેઠકમાં આ વિવાદનો મહત્ત્વના એજન્ડા તરીકે પણ સમાવેશ થયો.

• વડા પ્રધાન મોદીએ પણ લાઓસના વડા પ્રધાન થોંગલાઉન સિસોઉલિથ સાથે સાઉથ ચાઇના સીના વિવાદ મુદ્દે ચર્ચા કરી હતી. ફિલિપાઈન્સ, તાઈવાન, મલેશિયા અને બ્રુનેઈએ પણ આ મુદ્દે ચીનના વલણનો વિરોધ કર્યો છે.

• મોદીએ મ્યાંમારના સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ કી સાથે દ્વિપક્ષીય સુરક્ષા મુદ્દે ચર્ચા કરી.

• મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે પણ બેઠક યોજાઈ. આ બેઠકમાં બંને દેશો દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત બનાવવા માટે સહમત થયા.

• ભારત અને સાઉથ કોરિયા આતંકવાદ સામેની લડાઈમાં પરસ્પર સહકાર આપવા સહમત થયા. આ અંગે મોદી અને સાઉથ કોરિયન પ્રમુખ પાર્ક જ્યૂન હાયે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter