નવી દિલ્હી: દેશમાં મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સાથે 14 રાજ્યોમાં પેટા ચૂંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ક્યારેય ના મેળવ્યો હોય તેવો જંગી વિજય મેળવ્યો છે, જેને પગલે ભાજપના મુખ્યાલયો પર ભવ્ય ઊજવણીનો માહોલ હતો. મહારાષ્ટ્ર વિજય પછી કાર્યકરોને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે, એક હૈ તો સેફ હૈ સૂત્ર હવે દેશનો મહામંત્ર બન્યો છે.
મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં પેટા ચૂંટણીઓમાં ભાજપના ભવ્ય વિજય પછી પીએમ મોદીએ ભાજપ મુખ્યાલય ખાતે કાર્યકરોને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, આજે મહારાષ્ટ્રમાં વિકાસવાદ, સુશાસન, સામાજિક ન્યાયનો વિજય થયો છે જ્યારે જુઠ્ઠાણાં, છેતરપિંડીનો પરાજ્ય થર્યો છે. વિભાજનકારી તાકતો, નકારાત્મક રાજકારણ અને પરિવારવાદનો પરાજય થયો છે.
તેમણે ઉમેર્યું કે, આજે દેશના અનેક રાજ્યોમાં પેટાચૂંટણીના પણ પરિણામ આવ્યા છે અને લોકસભામાં ભાજપની એક બેઠક વધી ગઈ છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાન, અસમ, મધ્ય પ્રદેશમાં ભાજપ જીત્યો છે. બિહારમાં પણ એનડીએનું સમર્થન વધ્યું છે. આ દર્શાવે છે કે દેશ હવે માત્ર અને માત્ર વિકાસ ઈચ્છે છે.
વડાપ્રધાને ‘એક હૈ તો સેફ હૈ’ નારાનો ઉલ્લેખ કરતા કહ્યું, કોંગ્રેસ અને તેની ઈકોસિસ્ટમે વિચાર્યું હતું કે બંધારણ અને અનામતના નામે ખોટું બોલીને હિન્દુઓને એસસી-એસટી ઓબીસીના નાના નાના જૂથોમાં વિભાજિત કરી દઈશું. પરંતુ મહારાષ્ટ્રની જનતાએ કોંગ્રેસ અને તેના સાથીઓના આ કાવતરાંને નિષ્ફળ બનાવી દીધું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું મહારાષ્ટ્રના જનાદેશે દેશને અન્ય એક સંદેશો પણ આપ્યો છે કે આખા દેશમાં માત્ર અને માત્ર એક જ બંધારણ ચાલશે. એ બંધારણ જે બાબાસાહેબ આંબેડકરે બનાવ્યું હતું. ભારતનું બંધારણ બદલવા, દેશમાં બે બંધારણની જે પણ વાત કરશે તેને દેશ નકારી કાઢશે. કોંગ્રેસ અને તેના સાથીઓ સાંભળી લે કે દુનિયાની કોઈ તાકાત કલમ 370 પાછી લાવી શકશે નહીં.
સતત ત્રીજી વખત ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે. આ ઐતિહાસિક છે. ભાજપે એકલા એ જ કોંગ્રેસ અને તેના સાથીઓ કરતાં પણ વધુ બેઠકો મેળવી છે. પીએમ મોદીએ ઝારખંડની જનતાને પણ નમન કરતા કહ્યું. ઝારખંડમાં તિવ્ર વિકાસ માટે અમે વધુ મહેનતથી કામ કરીશું.