નવી દિલ્હીઃ પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાના સમાપન બાદ નરેન્દ્ર મોદીએ આ મહોત્સવમાં કરોડો લોકોની ઉપસ્થિતિને નવજાગૃતિ સમાન ગણાવી હતી. વડાપ્રધાને પોતાના બ્લોગમાં 45 દિવસના ધાર્મિક ઉત્સવ સંદર્ભે કહ્યું હતું કે, દેશની એકતાના મહાયજ્ઞનું સમાપન થયું છે. વિકસિત ભારતના ધ્યેય સાથે સમગ્ર દેશે આ જ લાગણી અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવું પડશે. કોઈ કલ્પના પણ ન કરી શકે તેટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સંગમ સ્થાનમાં ડૂબકી લગાવી છે. આ ઉત્સાહ દેશમાં નવી શક્તિની ઝલક આપે છે અને ભારતના નવા ભવિષ્યને લખવાનો આ યોગ્ય સમય છે.
મહાકુંભ મેળાના સમાપનના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ ગંગા મૈયા, યમુના મા અને સરસ્વતી માતાને ભગવાનનું સ્વરૂપ ગણાવીને તેમની માફી માગી હતી. સમગ્ર આયોજન દરમિયાન સેવાઓમાં ઊણપ બદલ મોદીએ સામાન્ય શ્રદ્ધાળુઓની પણ માફી માગી હતી. ગુલામ માનસિકતાની બેડીઓ તોડ્યા બાદ સમગ્ર દેશે નવજાગૃતિની નવી લહેરની અભિવ્યક્તિ મહાકુંભ મેળામાં જોઈ છે. વડાપ્રધાને મહાકુંભ સંદર્ભે પોતાની લાગણી જાહેર કરી હતી ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મહોત્સવમાં ખડેપગે ફરજ બજાવનારા કર્મચારીઓને ખુશ કર્યા હતા.
કર્મયોગીનું સન્માન
ઉત્તરપ્રદેશ સરકારે મહાકુંભ મેળામાં ફરજ બજાવનારા 75,000 પોલીસ કર્મચારીઓ માટે મહાકુંભ સેવા મેડલ તથા રૂ. 10,000 બોનસની જાહેરાત કરી હતી. આ ઐતિહાસિક મહોત્સવમાં ખડેપગે ફરજ બજાવનારા પોલીસ કર્મીઓને શુભેચ્છા સ્વરૂપે એક અઠવાડિયાની રજા જાહેર કરાઈ છે. ગંગા મંડપમમાં મુખ્યમંત્રી આદિત્યનાથે પોલીસ દળોની ધીરજ અને શિસ્તની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, 45 દિવસની પવિત્ર યાત્રા દરમિયાન ભીડને નિયંત્રિત રાખવાનું કામ પડકારજનક હતું. ઘણી વખત લોકોએ અમારા જવાનોને ધક્કા માર્યા હતા, પરંતુ તેઓ મક્કમતાથી ઊભા રહ્યા અને ધીરજ રાખી હતી.
મહાકુંભ મેળાને વિશ્વનો સૌથી મોટા અને ઐતિહાસિક જમાવડો ગણાવતાં યોગી આદિત્યનાથે સફળ આયોજન વડાપ્રધાનના દૂરંદેશી નેતૃત્વ તથા સલામતી જવાનોના સહિયારા પ્રયાસોને બિરદાવ્યા હતા. અગાઉ માફિયા અને રમખાણો સામે ઝઝૂમતી યુપી પોલીસે સમગ્ર વિશ્વને પોતાની ઓળખ ‘પોલીસ મિત્ર’ તરીકે આપી છે.