નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક સાથે અબજો રૂપિયાની આર્થિક ગેરરીતિ આચરનાર હીરાના વેપારી નિરવ મોદીનું પ્રકરણ દેશવિદેશમાં ખાસ્સું ચગ્યું છે. દરમિયાન ભારત સરકારે લોકસભામાં માહિતી આપી છે કે માત્ર નિરવ જ નહીં, બીજા ૩૧ બિઝનેસમેન પણ કૌભાંડો આચરીને વિદેશ ભાગી ગયા છે.
એક સવાલના જવાબમાં વિદેશ રાજ્યપ્રધાન એમ. જે. અકબરે લેખિત જવાબમાં ૩૧ લોકોની યાદી આપી છે. જેમાં નિરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી સહિતના આરોપીઓનાં નામ છે. આ તમામ સામે ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટ (ઈડી) અને સીબીઆઇ સહિતના વિભાગો તપાસ કરી રહ્યા છે.
આ સરકારી યાદીમાં નિરવ ઉપરાંત તેની પત્ની અમી મોદી અને પુત્ર નીશલ મોદી, લિકર કિંગ વિજય માલ્યા, આઇપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદી અને શસ્ત્રોના સોદાગર સંજય ભંડારીનો સમાવેશ છે. જોકે ભાગેડુઓની યાદી સાથે એ નથી દર્શાવાયું કે ક્યારથી તેઓ નાસતા ફરે છે.
રાજ્યપ્રધાન અકબરે કહ્યું કે સીબીઆઈએ વિજય માલ્યા, આશિષ જોબનપુત્ર, પુષ્પેશ કુમાર, બૈદ, સંજય કાલરા, વર્ષા કાલરા, અને આરતી કાલરાના પ્રત્યાર્પણ માટે અરજી કરી છે, જે મંત્રાલયને મળી છે. જે-તે દેશના સંબંધિત વિભાગોને આ અરજી મોકલી દેવામાં આવી છે.
કોણ-કોણ ભારત છોડી ગયાં છે?
કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયેલાઓમાં સૈમિત જેના, વિજયકુમાર રેવાભાઈ પટેલ, સુનિલ રમેશ રૂપાણી, પુષ્પેશ કુમાર બૈદ, સુરેન્દ્રસિંહ, અંગતસિંહ, હરસાહિબસિંહ, હરલીન કૌર, આશીષ જોબનપુત્ર, જતીન મહેતા, ચેતન જયંતિલાલ સાંડેસરા, દિપ્તી ચેતન સાંડેસરા, નીતિન જયંતીલાલ સાંડેસરા, સભ્ય શેઠ, નીલેશ પારેખ, ઉમેશ પારેખ, સન્ની કાલરા, આરતી કાલરા, સંજય કાલરા, વર્ષા કાલરા, હેમંત ગાંધી, ઇશ્વરભાઈ ભાટ, એમ. જી. ચંદ્રશેખર, ચેરિયા વન્નરક્કલ સુદીર, નૌસા કદીજાય અને ચેરિયા વેત્તિલ સાદિકનો સમાવેશ થાય છે.