અભિનેત્રી લૈલા ખાન મર્ડર કેસમાં મુંબઇની સેશન કોર્ટે આરોપી પિતા પરવેઝ ટાકને ફાંસીની સજા ફટકારી છે. અદાલતે ગુનો બન્યાના 13 વર્ષ બાદ આ કેસમાં સજા ફરમાવી છે. પરવેઝ ટાક મૃતક લૈલાનો સાવકો પિતા છે. ફેબ્રુઆરી 2011માં મહારાષ્ટ્રના ઇગતપુરીના એક ફાર્મ હાઉસમાં પરવેઝ ટાકે લૈલા ખાન, તેના પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી નાખીને તેમના મૃતદેહો જમીનમાં દાટી દીધા હતા. લૈલા ખાન મર્ડર કેસમાં 9 મેના રોજ કોર્ટે પરવેઝ ટાકને દોષી જાહેર કરીને સજાના એલાન વિશે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સંપત્તિવિવાદમાં પરવેઝ ટાકે સાવકી પુત્રી લૈલા ખાનની હત્યા કરી નાખી હતી અને એટલું જ નહીં હત્યારાએ લૈલાની માતા સહિત કુલ છને મોતને ઘાટ ઉતાર્યા હતા. કેસમાં સૌ પહેલા 2011માં મુંબઇના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં છ લોકો મિસિંગ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. કેસ લાંબા સમય સુધી ગૂંચવાયેલો રહ્યો હતો. જોકે, પોલીસે ઈગતપુરીના ફાર્મ હાઉસમાંથી જુલાઇ 2012માં છ માનવ હાડપિંજર જપ્ત કર્યા હતા અને તે વર્ષે જ ઓક્ટોબર 2012માં લૈલા મર્ડર કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી.
લૈલા ખાન કોણ હતી?
લૈલાનું વાસ્તવિક નામ રેશમા પટેલ હતું. 1978માં પાકિસ્તાનમાં જન્મેલી લૈલાની માતાનું નામ સેલિના પટેલ હતું, જેણે ત્રણ લગ્ન કર્યા હતા. સેલિનાના પહેલા લગ્ન નાદિર શાહ સાથે થયા હતા અને લૈલા નાદિર શાહની પુત્રી હતી. લૈલા નાનપણથી જ એક્ટ્રેસ બનવા માગતી હતી. અને તેનું સ્વપ્ન 2002માં પૂરું થયું હતું અને તેણે કન્નડ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું. તેના ચાર વર્ષ બાદ લૈલાએ 2008માં ‘વફાઃ અ ડેડલી લવ સ્ટોરી’ ફિલ્મમાં રાજેશ ખન્ના સાથે કામ કર્યું હતું.