અમદાવાદ: એક ગુજરાતી ઉદ્યોગસાહસિક હસમુખભાઇ ટી. પારેખે 70ના દસકામાં સ્થાપેલી દેશની પહેલી રિટેલ હાઉસીંગ ફાઇનાન્સ કંપની એચડીએફ્સીએ ભારતીય કોર્પોરેટ ઇતિહાસમાં સોનેરી પ્રકરણ ઉમેર્યું છે. પહેલી જુલાઇથી અમલી બનેલા એચડીએફસી કોર્પોરેશન અને એચડીએફસી બેન્કના મર્જરે દેશના સૌથી મોટા મર્જરનું બહુમાન મેળવ્યું છે. આ એકીકરણ બાદ એચડીએફસી બેન્ક વિશ્વની ચોથા ક્રમની સૌથી મોટી બેન્ક બની છે. મર્જર બાદ એચડીએફ્સી બેન્કનું માર્કેટ કેપ 172 બિલિયન ડોલર થયું છે. જે જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપની, ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કમર્શિયલ બેન્ક ઓફ ચાઈના અને બેન્ક ઓફ અમેરિકા પછીના ક્રમે આવે છે. આમ એચડીએફસી બેન્ક હવે બે ટોચની અમેરિકી બેન્ક અને એક ચાઈનીઝ બેન્ક સાથે સીધી સ્પર્ધા કરશે.
થાય જો સરખામણી તો...
મર્જર બાદ એચડીએફ્સી બેન્કના કસ્ટમર્સનો આંકડો 12 કરોડ નજીક પહોંચ્યો છે, જે જર્મની દેશની કુલ જનસંખ્યા કરતાં પણ વધુ છે. બેન્કનું બ્રાન્ચ નેટવર્ક 8,300થી વધુ શાખામાં ફેલાયું છે જ્યારે તેના કર્મચારીઓની સંખ્યા 1.77 લાખને પાર પહોંચી છે.
જો ભારતના બેન્કિંગ સેક્ટર સાથે સરખામણી કરીએ તો એચડીએફ્સી બેન્કનું માર્કેટ કેપ 14.7 લાખ કરોડ રૂપિયા થયું છે. જે એચડીએફ્સી બેન્ક સિવાયની ટોચની ચાર પ્રાઈવેટ બેન્ક - આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, એક્સિસ બેન્ક અને ઈન્ડસઈન્ડ બેન્કના કુલ માર્કેટ કેપ કરતાં પણ વધુ છે. હાલમાં આ ચારેય ખાનગી બેન્કનું કુલ માર્કેટ કેપ રૂ. 14.3 લાખ કરોડ છે.
જો ભારતીય બજારના દિગ્ગજો સાથે સરખામણી કરીએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (રૂ. 17.18 લાખ કરોડ) પછી એચડીએફ્સી બેન્ક માર્કેટ કેપમાં બીજા ક્રમે આવશે. રૂ. 12.03 લાખની માર્કેટ કેપ સાથે ટીસીએસ ત્રીજા ક્રમની કંપની છે.
જો સરકારી માલિકીની બેન્કો સાથે સરખામણી કરીએ તો મર્જર પછીની એચડીએફ્સી બેન્ક જાહેર ક્ષેત્રની તમામ 13 બેન્ક કરતાં ઊંચું માર્કેટ કેપ ધરાવે છે. હાલમાં સરકારી બેન્કનું કુલ માર્કેટ કેપ રૂ. 9.77 લાખ કરોડ થાય છે.
જો વૈશ્વિક બેન્કિંગ હરીફોની વાત કરીએ તો યુએસ સ્થિત જેપી મોર્ગન ચેઝ 405 બિલિયન ડોલરના માર્કેટ કેપ સાથે વિશ્વમાં સૌથી મોટી લેન્ડર છે. આ પછીના ક્રમે બેન્ક ઓફ અમેરિકા (223 બિલિયન ડોલર) અને ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કમર્શિયલ બેન્ક ઓફ ચાઈના (223 બિલિયન ડોલર) આવે છે.
જો વૈશ્વિક હરીફોથી આગળ નીકળવાની વાત કરીએ તો, મર્જર પછી એચડીએફ્સી બેન્કે વૈશ્વિક જાયન્ટ્સ જેવા કે એચએસબીસી હોલ્ડિંગ્સ, બેન્ક ઓફ ચાઈના, મોર્ગન સ્ટેનલી અને રોયલ બેન્ક ઓફ કેનેડાને પાછળ રાખી દીધી છે.
વિશ્વની ટોપ-100 કંપનીઓની યાદીમાં
મર્જર બાદ એચડીએફસી બેન્કે વિશ્વની ટોપ-100 કંપનીઓની લીગમાં પણ પ્રવેશ મેળવ્યો છે. વેલ્યૂએશનની રીતે તે વિશ્વમાં 61મા ક્રમની ટોચની કંપની બની છે. હાલમાં 3 ટ્રિલિયન ડોલર સાથે એપલ ટોચ પર છે. આ પછીના ક્રમે 2.5 ટ્રિલિયન ડોલર સામે માઈક્રોસોફ્ટ આવે છે, જ્યારે 2.08 ટ્રિલિયન ડોલર સાથે સાઉદી અરામ્કો ત્રીજા ક્રમે જોવા મળે છે.
13 જુલાઇ રેકોર્ડ ડેટ
શનિવારથી અમલી બનેલા મર્જર બાદ એચડીએફ્સી કોર્પોરેશનના શેરધારકોએ એચડીએફ્સી બેન્કમાં 41 ટકા હિસ્સો મેળવ્યો છે. બેન્કે 25:42નો સ્વેપ રેશિયો જાળવ્યો છે. મતલબ કે એચડીએફ્સી કોર્પોરેશનના 25 શેર્સ સામે એચડીએફ્સી બેન્કના 42 શેર્સ મળવાપાત્ર છે. આ ટ્રાન્સફરની રેકોર્ડ ડેટ 13 જુલાઇ છે. આ દિવસે એચડીએફસી કોર્પોરેશનના શેર સ્ટોક માર્કેટમાંથી ડિલિસ્ટ થઇ જશે.
વિશ્વની ટોચની બેન્ક
બેન્ક અને માર્કેટ કેપ (બિલિયન ડોલરમાં)
જેપી મોર્ગન ચેઝ 416.5
આઈસીબીસી 228.3
બેન્ક ઓફ અમેરિકા 227.7
એચડીએફસી બેન્ક 171.9
એગ્રિકલ્ચર બેન્ક ઓફ ચાઈના 168.9
ચાઈના કન્સ્ટ્રક્શન બેન્ક 162.8
એચએસબીસી 156.6
---------------------------