નવી દિલ્હીઃ વિદેશી ભંડોળને આકર્ષવાના પ્રયાસમાં સરકારે બિનનિવાસી ભારતીયો, ઓસીઆઈ અને પીઆઈઓ દ્વારા પોતે જ્યાં હોય એ દેશમાં પરત ન ખેંચવાનું હોય એવાં રોકાણને ‘ઘરેલું રોકાણ’ ગણવાનો નિર્ણય લીધો હતો અને આવા રોકાણ ‘ફેમા’ કાયદા અંતર્ગત સીધા વિદેશી રોકાણની મર્યાદા નડશે નહીં.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં એફ.ડી.આઈ. નીતિને અનુરૂપ એનઆરઆઈની વ્યાખ્યામાં ફેરફાર સહિતના નિર્ણયો લીધા હતા.
બિનનિવાસી ભારતીયોમાં પહેલાંથી જ ખૂબ જ લોકપ્રિય બની ચૂકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે એવું પગલું લીધું છે જેનાથી તેમની લોકપ્રિયતા વધશે. કેન્દ્ર સરકારે બિનનિવાસી ભારતીયો દ્વારા ફેમા કાનૂન (વિદેશી હૂંડિયામણ સંચાલન કાયદો)ની કલમ ચાર હેઠળ થનારા રોકાણને ઘરેલું રોકાણનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે.
માનવામાં આવે છે કે તેનાથી એન.આર.આઈ રોકાણને ઘરેલું કે વિદેશી માનવું તેની અસમંતતા નહીં રહે. ઉપરાંત હવે એન.આર.આઈ. રોકાણની દરખાસ્તોને આસાનીથી મંજૂરી મળશે.
સરકારે માહિતી આપી હતી કે, આ નિર્ણયથી ન માત્ર પ્રવાસી ભારતીયોના રોકાણમાં વૃદ્ધિ થશે બલ્કે દેશમાં આવનારું વિદેશી નાણું પણ વધશે. ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રને વધુ ફાયદો થઈ શકે છે, કારણ કે વિદેશમાં વસતા ભારતીયો તેમાં વધુ રોકાણ કરવા ઇચ્છુક છે.