નવી દિલ્હીઃ સરકારે ગાડીઓના પ્રદૂષણને નિવારવા માટે એક એપ્રિલ ૨૦૨૦થી બીએસ-૫ માપદંડની જગ્યાએ સીધા બીએસ-૬ માપદંડ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. માપદંડ ગાડીઓના ઉત્સર્જન પ્રદૂષક તત્ત્વોના પ્રમાણ સાથે સંબંધિત છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન અને હાઈવે પ્રધાન નીતિન ગડકરીની અધ્યક્ષતા હેઠળ બુધવારે મળેલી એક બેઠકમાં નિર્ણય લેવાયો હતો. બેઠકમાં પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકર, હેવી ઇન્ડસ્ટ્રી પ્રધાન અનંત ગીતે, પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર હતા. આ બેઠક પછી ગડકરીએ ટિ્વટ કર્યુ હતું કે, મેં અને મારા સાથી પ્રધાનોએ એક એપ્રિલ ૨૦૨૦થી સીધા બીએસ-૬ માપદંડ પર જવાનો નિર્ણય કર્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયે એક એપ્રિલ ૨૦૨૦થી સમગ્ર દેશમાં બીએસ-૬ ઈંધણ પૂરું પાડવાનું આશ્વાસન આપ્યું છે.