નવી દિલ્હીઃ સીધું વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ) આકર્ષવાના મુદ્દે ભારતે ચીનને પાછળ રાખી દીધું છે. ભારતે વર્ષ ૨૦૧૫માં ૬૩ બિલિયન ડોલરના એફડીઆઈ પ્રોજેક્ટને આકર્ષ્યા હતા. ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ના એફડીઆઈ વિભાગ દ્વારા આ જાણકારી અપાઇ છે. ફોક્સકોન અને સનએડિશન નામની મોટી કંપનીઓએ વર્ષ ૨૦૧૫માં અનુક્રમે પાંચ અને ચાર બિલિયન ડોલરના પ્રોજેક્ટમાં રોકાણ કરવા પણ સંમતિ દર્શાવી છે.
ભારત એફડીઆઈ રોકાણને મુદ્દે પહેલી જ વાર શિખર પર પહોંચી ગયું છે. ભારતે આ મોરચે ચીનની સાથોસાથ અમેરિકાને પણ પાછળ રાખી દીધું છે. અમેરિકાને વર્ષ ૨૦૧૫માં ૫૯.૬ બિલિયન ડોલર અને ચીનને ૫૬.૬ બિલિયન ડોલર એફડીઆઈનું રોકાણ આકર્ષવામાં સફળતા મળી હતી.
ગુજરાતમાં ૧૨.૪ બિલિયન ડોલરની એફડીઆઈ
રાજ્ય નાણા પ્રધાન જયંત સિંહાએ જણાવ્યું છે કે, 'FDIને આકર્ષવામાં કેન્દ્ર સરકાર શિખર પર પહોંચી ગયું છે.' તેમણે દાવાપૂર્વક જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૫માં એફડીઆઈ આકર્ષનારાં ટોચનાં ૧૦ રાજ્યોમાં પાંચ ભારતીય રાજ્યો છે. આ વર્ષમાં ગુજરાતને ૧૨.૪ બિલિયન ડોલર એફડીઆઈ આકર્ષવામાં સફળતા મળી છે. તો મહારાષ્ટ્રે પણ ૮.૩ બિલિયન ડોલર એફડીઆઈ આકર્ષી હતી.
FDIપ્રોજેક્ટમાં આઠ ટકાનો વધારો
વર્ષ ૨૦૧૫ દરમિયાન ભારતે એફડીઆઇ દ્વારા પ્રાપ્ત કરેલા પ્રોજેક્ટની સંખ્યામાં પણ આઠ ટકાનો વધારો નોંધાયો છે. આ સંખ્યા વધીને ૬૯૭ થઇ છે. ખાસ કરીને કોલસા, તેલ, પ્રાકૃતિક ગેસ અને રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે ભારતમાં થયેલા મોટા રોકાણે ચીનને ભારત કરતાં પાછળ રાખી દીધું હતું.