એર ઇન્ડિયાની ઊંચેરી ઉડાનઃ ટૂંક સમયમાં 500 એરબસ અને બોઇંગ વિમાન ખરીદશે

Saturday 17th December 2022 09:19 EST
 
 

નવી દિલ્હીઃ ઉદ્યોગજગત ક્ષેત્રે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એર ઇન્ડિયાએ વિમાન ખરીદવા માટે 100 બિલિયન ડોલરની ઐતિહાસિક સમજૂતી માટે તૈયારીઓ શરૂ કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર એર ઇન્ડિયા મેનેજમેન્ટે એરબસ અને બોઇંગ સાથે 500 જેટ વિમાન ખરીદવા માટે અબજો ડોલરની ઐતિહાસિક સમજૂતી ટૂંક સમયમાં કરશે. એર ઇન્ડિયા આ સમજૂતીની ખૂબ જ નજીક પહોંચી ગઇ છે.
એર ઇંડિયાને વિશ્વતખતે મોખરાની એરલાઇન બનાવવાની ટાટા જૂથની મહત્ત્વકાંક્ષી યોજનાના ભાગરૂપે આ ડિલની તૈયારી થઇ રહી છે. ટાટા જૂથ એર ઇન્ડિયાનું નવીનિકરણ કરવા માગે છે અને તેના ભાગરૂપે જ આ ઓર્ડર આપવામાં આવી રહ્યો છે. આ ઓર્ડરમાં 400થી વધુ નેરો બોડી જેટ અને 100થી વધુ વાઇડ-બોડીના વિમાનની ખરીદી કરવામાં આવશે.
જેમાં એરબસ એ-350 અને બોઇંગ 787 અને 777 જેવા વિમાનોનો સમાવેશ થાય છે. નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં આ સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
આ સમજૂતી અંગે એરબસ અને બોઇંગે કોઇ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. બીજી તરફ આ સમજૂતીના સંબધમાં ટાટા જૂથે પણ તાત્કાલિક કોઇ ટિપ્પણી કરી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમજૂતી 100 બિલિયન ડોલરથી પણ વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને વિશ્વની કોઇ પણ એરલસાઇન્સનો અત્યાર સુધીનો સૌથી મોટો સોદો ગણાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter