એર ઈન્ડિયાઃ પ્રતિષ્ઠા છતાં, ગુમાવેલી તક અને ઉજ્જવળ ભાવિ તરફ નજર

Tuesday 03rd September 2024 14:55 EDT
 
 

એર ઈન્ડિયાની સ્થાપનાને નવ દાયકાથી વધુ સમય થયો છે ત્યારે તેના વફાદારો અને વિરોધીઓ પણ અસંખ્ય છે. આમ છતાં, એક હકીકતને કોઈ અવગણી નહિ શકે કે આગામી થોડાં વર્ષોમાં તે વિશ્વની સૌથી મોટી એરલાઈન્સમાંની એક તરીકે બહાર આવશે.

આજે પણ એર ઈન્ડિયાની પ્રતિષ્ઠા નોંધપાત્ર છે. સૌ પહેલા ટાટા એર સર્વિસીસ અને તે પછી એર ઈન્ડિયા નામ સાથે તેનું આકાશમાં ઉડ્ડયન થયાને 90 કરતાં વધુ વર્ષ થયાં છે. કેટલાક તેને ભારતની કથા તરીકે ગણાવે છે. ઘણા લોકો તેની પડખે છે તો ઘણાં તેના રૂપાંતર સાથે સંમત નથી અને તેને ધોળા હાથી તરીકે ગણાવે છે. ઘણા લોકો માને છે કે તેનું ભવ્ય અને ઉજ્જવળ ભવિષ્ય તરફ પરિવર્તન થઈ રહ્યું છે.

એર ઈન્ડિયા આગામી થોડાં વર્ષોમાં 600થી વધુ એરક્રાફ્ટ્સ સાથે વિશ્વની સૌથી મોટી એરલાઈન્સોમાં એક હશે તે હકીકત છે. સરકારના અંકુશ હેઠળના ઘણા વર્ષો પછી નવા ખાનગી માલિક હેઠળ પરિવર્તનના આગામી તબક્કા માટે જંગી 80 બિલિયન ડોલરના રોકાણ સાથે 470 વિમાન માટે ઓર્ડર્સ અપાઈ ગયા છે. એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને એક ઈન્ટરવ્યૂમાં સાચું જ કહ્યું છે કે,‘ આજનું એર ઈન્ડિયા ગઈ કાલનું એર ઈન્ડિયા નથી અને આજનું એર ઈન્ડિયા ચોક્કસપણે આવતી કાલનું એર ઈન્ડિયા નથી.’

આમ છતાં, એર ઈન્ડિયાની કહાણી ગુમાવેલી તકની કહાણી છે. તેના સ્થાપક જેઆરડી ટાટા હેઠળના સમૃદ્ધ દિવસોમાં તેની સેવાના ધારાધોરણ અને કાર્યસંચાલન માટે સિંગાપોર એરલાઈન્સ અને કેથી પેસેફિક માટે પ્રેરણાદાયી બની રહી હતી. ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન જેઆરડી ટાટાએ 1932માં એર ઈન્ડિયાની સ્થાપના કરી હતી. ટાટા એર સર્વિસીસની પ્રથમ ફ્લાઈટે મેઈલ તેમજ બે પેસેન્જર સાથે 1932ની 15 ઓક્ટોબરે કરાચીથી મુંબઈ સુધી ઉડાન ભરી હતી જેના પાઈલોટ ખુદ જેઆરડી ટાટા હતા.

ભારતની આઝાદીના એક વર્ષ પછી દેશની એરલાઈન્સના રાષ્ટ્રીયકરણની પ્લાનિંગ કમિશને ભલામણ કરી તે પહેલા એર ઈન્ડિયાએ લંડન માટેની સેવા શરૂ કરી હતી. ભારતની પાર્લામેન્ટે 1953માં એર કોર્પોરેશન એક્ટ પસાર કરી તમામ પ્રવર્તમાન એરલાઈન્સને સરકારની માલિકી અને સંચાલન હેઠળ લેવા જણાવ્યું તેનો ટાટાએ ભારે વિરોધ કર્યો પરંતુ, વડા પ્રધાન જવાહરલાલ નેહરુની સરકારે દેશની નવ એરલાઈન્સનો વહીવટ સ્વહસ્તક લઈ લીધો. જેઆરડી ટાટાએ એર ઈન્ડિયાના ચેરમેનનો હોદ્દો બે દાયકા સુધી સંભાળ્યો અને 1978માં તેમને રૂખસદ અપાયા પછી, કંપનીની રોજબરોજની કામગીરીમાં સરકારી હસ્તક્ષેપ સાથે એર ઈન્ડિયાનો વહીવટ કથળવા લાગ્યો અને પડતીની શરૂઆત થઈ.

એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સના 2007માં વિલિનીકરણ સમયે તેમની ખોટ અનુક્રમે રૂ. 541 કરોડ અને રૂ. 240 કરોડ હતી. વર્ષ 2021 સુધીમાં એર ઈન્ડિયાનું દેવું વધીને રૂ. 61,000 કરોડે પહોંચી જતાં સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમ હેઠળ એરલાઈનનું વેચાણ ટાટા ગ્રૂપને કરી દીધું. આજે એર ઈન્ડિયા તબક્કાવાર નવીનીકરણ સાથે વર્કફોર્સમાં ઘટાડા, નવા એરક્રાફ્ટ્સનો ઉમેરો, વિસ્તારા સાથે વિલિનીકરણના પગલાં સહિત આકાશમાં તેની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કદાચ તેના અસ્તિત્વની સદી પૂર્ણ થશે ત્યાં સુધી તે હાંસલ કરી લેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter