લંડનઃ ભારતીય કેરિયર એર ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી જ રહી છે. નાણાકીય ગેરવહીવટ ઉપરાંત કંપનીના અમૂલ્ય કલાસંગ્રહમાંથી ૨૦૦ મિલિયન પાઉન્ડથી વધુ કિંમતના અસંખ્ય આર્ટવર્ક્સ ગૂમ હોવાનું બહાર આવ્યું છે. એર ઈન્ડિયા કુલ ૫૨૦ બિલિયન રુપિયા (૬.૨ બિલિયન પાઉન્ડ)ની ગંભીર ખોટમાંથી બહાર નીકળી શકે તેમ ન લાગતા નરેન્દ્ર મોદી સરકારે ઝડપી વેચાણમાં આગળ વધવા નિર્ણય કર્યો છે.
એર ઈન્ડિયાએ તેના ૮૫ વર્ષના ઈતિહાસમાં ભારત અને વિદેશના કલાકારોના સંખ્યાબંધ કળામય ચિત્રોનો સંગ્રહ કર્યો છે. રાષ્ટ્રીય એરલાઈનના વેચાણને આખરી સ્વરૂપ અપાય તે અગાઉ તેની સંપત્તિનું સંપૂર્ણ મૂલ્યાંકન હાથ ધરાયું છે. એર ઈન્ડિયા પાસે વિશાળ પ્રમાણમાં રિયલ એસ્ટેટ અને જમીનો, ૨૦૦ મિલિયન પાઉન્ડથી વધુ કિંમતનો વિમાનકાફલો તેમજ વિદેશ અને ઘરઆંગણે લેન્ડિંગ સ્લોટ્સ સહિતની સંપત્તિ છે.
એર ઈન્ડિયા દેશના સૌથી મોટા કલાસંગ્રાહકોમાં સ્થાન ધરાવે છે, જેની પાસે મૂલ્યવાન શિલ્પો, ટેક્સટાઈલ્સ અને તત્કાલીન આર્ટ્સના અપાર નમૂનાઓ છે. એક સમયે કંપનીએ એમ એફ હુસૈન અને વી.એસ. ગાયતોંડે સહિત ભારતના પ્રખ્યાત કલાકારોના પ્રારંભિક કળાચિત્રો ખરીદવા વિશ્વની ગેલેરીઓનો સંપર્ક સાધતી હતી. વર્તમાન કટોકટી બહાર આવી તે પહેલા એર ઈન્ડિયાના માસ્કોટના નામે ‘Maharajah’s collection’ને દર્શાવવા મ્યુઝિયમ બનાવવાની પણ યોજના હતી. જાણીતા પેઈન્ટર જતીન દાસે એર ઈન્ડિયા માટે કેટલાક ચિત્રો દોર્યા હતા. તેમાંથી કોઈ ચિત્ર બજારમાં વેચાવા આવતા ડીલરે તેમનો સંપર્ક સાધી આ ચિત્ર તેમનું જ છે તે જાણવા પ્રયાસ કર્યો તેમાંથી આ કટોકટી જાહેરમાં આવી છે.
ચિત્રકાર અંજલિ ઈલા મેનને એર ઈન્ડિયા માટે છ ભાગની પેનલનું ચિત્ર બનાવ્યું હતું, જેમાંથી એક હિસ્સો એરલાઈન્સના તત્કાલીન ચેરમેન યોગેશ ચંદ્ર દેવેશ્વરના મુંબઈ એપાર્ટમેન્ટમાં જોવા મળાયો હતો. ભારત અને વિદેશમાં કંપનીના એક્ઝિક્યુટિવોને અપાયેલા ચિત્રો અદૃશ્ય થઈ ગયાનું કહેવાય છે.