નવી દિલ્હીઃ લાઇફ ઈન્સ્યોરન્સ કોર્પોરેન ઓફ ઈન્ડિયા (એલઆઇસી)એ તેના રૂ. 21,000 કરોડના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે શેરદીઠ રૂપિયા 902-949 પ્રાઈઝ બેન્ડ નક્કી કરી છે. આઇપીઓમાં વીમાધારકોને શેરદીઠ રૂપિયા 60 ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જ્યારે નાના રોકાણકારો તથા કર્મચારીઓને રૂપિયા 45 ડિસ્કાઉન્ટ અપાશે તેમ કેટલાક અહેવાલોમાં દાવો થયો છે.
અહેવાલ અનુસાર, આઇપીઓ બીજી મેના રોજ એન્કર ઈન્વેસ્ટર્સ માટે તથા અન્ય રોકાણકારો માટે 4થી 9 મે સુધી ખુલશે. ઈશ્યુના 10 ટકા (2.21 કરોડ શેર) વીમાધારકો માટે તથા 0.15 કરોડ શેર યોગ્યતા ધરાવતા કર્મચારીઓ માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. સરકાર એલઆઇસીમાં 3.5 ટકા હિસ્સેદારી (22 કરોડ શેર) વેચીને આશરે રૂપિયા 21,000 કરોડનું ભંડોળ એકત્રિત કરવા ઈચ્છે છે.
મીડિયા અહેવાલ પ્રમાણે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ 25 એપ્રિલના રોજ અપટેડ કરેલું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટર (ડીઆરએચપી)ને પણ મંજૂરી આપી છે, જેમાં 5 ટકાને બદલે 3.5 ટકા હિસ્સો વેચવાને લગતી માહિતી આપવામાં આવી છે. હવે આ અપડેટ કરવામાં આવેલ ડીઆરપીએચ 27 એપ્રિલના રોજ રજૂ કરવામાં આવશે.
દેશભરમાં રોડ શો
બીજી બાજુ એલઆઇસી મેનેજમેન્ટ તથા ઈન્વેસ્ટમેન્ટ બેન્કર મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લુરુ, અમદાવાદ, રાજકોટ, કોલકાતામાં રોડ શો યોજવામાં આવશે. જ્યાં સંભવિત રોકાણકારો અને એનાલિસ્ટ સાથે મુલાકાત કરવામાં આવશે. આ સપ્તાહના અંત સુધી ચાલશે. આ ઉપરાંત ઓનલાઈન શો પણ યોજવામાં આવશે.
સૌથી મોટો આઇપીઓ
એલઆઇસીનો ઈશ્યુ ભારતીય શેરબજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ હશે. સરકાર એલઆઇસીની 3.5 ટકા હિસ્સેદારી વેચીને રૂપિયા 21,000 કરોડ એકત્રિત કરી શકે છે. લિસ્ટીંગ થયા બાદ એલઆઇસીનું માર્કેટ વેલ્યુએશન ટોચની કંપનીઓને ટક્કર આપશે. આ અગાઉ Paytmનું જાહેર ભરણું સૌથી મોટું હતું અને કંપનીએ ગયા વર્ષે આઇપીઓ મારફતે રૂપિયા 18,300 કરોડ એકત્રિત કર્યાં હતા.