શિલોંગઃ રળિયામણા પૂર્વોત્તર ભારતનું એક નાનકડું ગામ આખી દુનિયામાં ચમકી ગયું છે. મેઘાલયના માવલ્યાનન્નોંગ નામનું આ નાનકડું આ ગામ એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકે બહુમાન ધરાવે છે.
ભારતના સાત લાખ ગામડાંમાંથી ભલે માત્ર અડધો ટકો ગામડાં જ નિર્મળ બન્યા હોય, પણ પૂર્વ ભારતમાં આવેલા મેઘાલય રાજ્યનું માવલ્યાન્નોંગ એશિયાના સૌથી સ્વચ્છ ગામ એટલું જાણીતું બની રહ્યું છે કે પ્રકૃતિના ખોળામાં વસેલા આ ગામની ચોખ્ખાઈથી ભરેલી રહેણીકરણી નિહાળવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે. આજુબાજુની લીલોતરી જોઈને આ ગામને ગોડ્સ ઓવન ગાર્ડન અર્થાત્ ઇશ્વરનો પોતાનો બગીચો એવું નામ પણ અપાયું છે.
માવલ્યાનન્નોંગ ગામનો સાક્ષરતા દર ૧૦૦ ટકા છે અને બધા જ શિક્ષિત લોકો અંગ્રેજી ભાષામાં જ વાત કરે છે. ખાસ હિલ જિલ્લામાં આવેલું આ ગામ મેઘાલયના પાટનગર શિલોંગથી ૯૦ કિલોમીટર દૂર છે. અહીંથી ભારત અને બાંગ્લાદેશની સરહદ પણ નજીકમાં છે. ગામમાં રહેતાં ૧૦૦ પરિવારના ઘરે વાંસમાંથી બનાવેલા ડસ્ટબિન રાખવામાં આવ્યા છે. આ ડસ્ટબિનમાં કચરો જમા થાય એટલે તેમાંથી ખાતર તૈયાર કરવામાં આવે છે. સોપારીની ખેતી આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય છે. આ ગામ ૨૦૦૩માં એશિયાનું સૌથી સ્વચ્છ ગામ બન્યું તેની પાછળ ગામ લોકોની મહેનત અને સ્વચ્છતા પ્રત્યેનો લગાવ છે.
ગામ લોકો કહે છે કે કોઈ પણ નાગરિકને સહેજ ગંદકી જણાય કે બધા કામ પડતા મૂકીને સ્વચ્છ કરવા લાગી જાય છે. ગંદકી કોણે કરી? અને કેમ કરી? એવા વિવાદમાં પણ તેઓ પડતા નથી. મેઘાલયના આ ગામની વિશિષ્ટતા જ તેને ભારતના અન્ય ગામોથી જૂદું પાડે છે.