ઐતિહાસિક આદાનપ્રદાનઃ ભારત-બાંગ્લાદેશે ગામ અને જમીન એકબીજાને સોંપ્યા

Saturday 01st August 2015 06:42 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ દ્વારા શુક્રવારની મધરાતે બન્ને દેશોનાં ગામ અને જમીનનું ઐતિહાસિક આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ બન્ને દેશની બોર્ડર પર રહેતાં લોકો માટે શનિવારની સવાર નવાં આશા અને અરમાનોનાં કિરણો સાથે ઊગી હતી. અત્યાર સુધી જે ગામડાંઓ કે વિસ્તારો કોઈ રાજ્ય, દેશ કે પ્રદેશનો હિસ્સો નહોતાં તેવા વિસ્તારોમાં વસતાં હજારો લોકોને તેમનાં સત્તાવાર નિવાસ માટે એક દેશના નાગરિકની ઓળખ મળશે.

બાંગ્લાદેશની બોર્ડર સાથે જોડાયેલાં ૧૦૦થી વધુ ભારતીય ગામડાંઓ અને જમીન તેમ જ ભારતની બોર્ડર સાથે જોડાયેલાં ૫૦થી વધુ ગામડાઓ અને જમીનની મધરાતે અદલાબદલી કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે સરહદ પર રહેતાં અનેક મુસ્લિમોએ ભારતમાં રહેવાનું પસંદ કર્યું છે.

આ વિસ્તારમાં રહેતાં લોકોને હવે તેમની પસંદગી મુજબ ભારત કે બાંગ્લાદેશનું નાગરિકત્વ મળશે. છેલ્લાં ૬૮ વર્ષથી તેઓ કયા દેશના છે તે નક્કી ન હતું અને તેઓ અનેક સુવિધાઓથી વંચિત હતા.

૧૬૩ મુસ્લિમોની પસંદ ભારત

ભારતની સરહદ પરના ૫૧ બાંગ્લાદેશી ગામડાંઓનાં લોકોએ ત્યાં જ રહેવાનું પસંદ કર્યું છે જ્યારે બાંગ્લાદેશમાં આવેલાં ૧૧૧ ભારતીય ગામડાઓનાં ૩૧,૦૦૦ લોકોમાંથી ૯૭૯ લોકોએ ભારતમાં રહેવાનું પસંદ કર્યું છે, જેમાં ૧૬૩ મુસ્લિમો છે. આ ગામડાંઓમાં રહેતાં ૫૧,૦૦૦થી વધુ લોકો વર્ષોથી કોઈ રાજ્યના રહીશો જ ન હતા. તેમણે જે તે દેશનાં ગામડાંઓમાં રહેવાનું મન બનાવી લીધું હતું. બંને દેશો વચ્ચે છઠ્ઠી જૂને, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બાંગ્લાદેશ પ્રવાસ દરમિાન થયેલા કરાર મુજબ ગામડાંઓ અને જમીનની અદલાબદલી કરાઈ હતી.

સંયુક્ત પરિવારો વિખૂટા પડ્યા

જમીન અને ગામડાંની અદલાબદલીને કારણે અનેક સંયુક્ત પરિવારો વિખૂટા પડી ગયા છે. ૬૦ વર્ષની હિંદુ મહિલા ચપલા બર્મનનો પરિવાર આ અદલાબદલીનો ભોગ બન્યો છે. તેણે તેનાં ચાર બાળકો અને તેમના પરિવારને છોડીને ભારતમાં રહેવું પડશે. તેની ત્રણ પુત્રીઓ બાંગ્લાદેશીને પરણી છે તેથી તે સ્થળાંતર કરી શકશે નહીં. તેનો એક મોટો પુત્ર પણ તેની સાથે નહીં રહી શકે. જમીન સાથે તેના પરિવારના પણ ભાગલા પડી ગયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter