ઓગસ્ટા વેસ્ટલેંડ કૌભાંડમાં ગૌતમ ખેતાને નાણા લીધાનું કબૂલ્યું

Friday 06th May 2016 06:24 EDT
 
 

નવી દિલ્હીઃ ઓગસ્ટા વેસ્ટલેંડ કૌભાંડ મામલે સીબીઆઇ હાલ પૂર્વ ડેપ્યુટી એર ચીફ એન. વી. ત્યાગી અને ગૌતમ ખેતાનની પૂછપરછ કરી રહી છે. સીબીઆઈએ હાલમાં બહાર પાડેલા રિપોર્ટ અનુસાર, વકીલ ગૌતમ ખેતાને સ્વીકાર કર્યું હતું કે, તેણે આ ઓગસ્ટા વેસ્ટલેંડ ડીલના વચેટિયા ગુઇડો હેસ્ચકે અને કાર્લો ગેરોસા પાસેથી નાણા લીધાં હતા. જોકે આ નાણા તેઓએ લાંચ પેટે લીધા હતા કે કેમ તેની કોઇ સ્પષ્ટતા કરી નથી માટે હજુ પણ તેમની પૂછપરછ થશે.

સીબીઆઇ દ્વારા ગૌતમ ખેતાનની લગભગ ૧૦ કલાક સુધી પૂછપરછ કરાઈ હતી, જેમાં અંતે તેમણે કબૂલ કર્યું હતું કે, તેઓએ આ વચેટિયાઓ પાસેથી નાણા લીધાં હતા. આ મામલે એન. વી. ત્યાગીની પણ તાજેતરમાં સતત બે દિવસ સુધી પૂછપરછ કરાઇ હતી. નોંધનીય છે કે ગૌતમ ખેતાન એરોમેટ્રીક્સના બોર્ડના પૂર્વ મેમ્બર અને વ્યવસાયે એક વકીલ પણ છે. સીબીઆઇ હાલ ગૌતમના જવાબ સાથે સહમત નથી તેથી હવે તેની વધુ પૂછપરછ થશે. દાવા થઇ રહ્યા છે કે જે એરોમેટ્રીક્સ કંપની સાથે ગૌતમ સંકળાયેલા હતા તે લાંચની રકમને અન્ય રીતે કાઢવાની કામગીરી કરતી હતી. ગૌતમ જ્યારે આ કંપની સાથે સંકળાયેલા હતા ત્યારે આ કૌભાંડમાં તેઓ પણ સામેલ હોવાની શંકાને આધારે તેઓની પૂછપરછ થઇ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter