નવી દિલ્હીઃ યુપીએના શાસનકાળમાં થયેલા રૂ. ૩,૭૬૭ કરોડના બહુચર્ચિત ઓગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદામાં રૂ. ૪૨૩ કરોડની ખાયકી કરવાના કેસમાં તપાસનીશ એજન્સી સીબીઆઈએ ૯ ડિસેમ્બરે ભૂતપૂર્વ એર ચીફ માર્શલ એસ. પી. ત્યાગીની ધરપકડ કરી છે. ત્યાગીની સાથે જ દિલ્હીસ્થિત વકીલ ગૌતમ ખૈતાન અને ત્યાગીના પિતરાઈ સંજીવ ત્યાગી ઉર્ફે જુલી ત્યાગીની પણ ધરપકડ કરાઇ છે. સીબીઆઇએ જણાવ્યું હતું કે, ત્રણેય વ્યક્તિની ભ્રષ્ટાચાર આચરી લાંચ લેવાના આરોપસર ધરપકડ કરાઈ છે. દિલ્હી કોર્ટે શનિવારે ત્યાગી સહિત ત્રણેય આરોપીના ૧૪ ડિસેમ્બર સુધી સીબીઆઇ રિમાન્ડ મંજૂર કર્યા છે.
સીબીઆઈએ નવ ડિસેમ્બરે જણાવ્યું હતું કે, ત્રણેય આરોપીને સીબીઆઈ વડા મથકે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ઓગસ્તા વેસ્ટલેન્ડ સોદો કુલ રૂ. ૩,૭૬૭ કરોડનો હતો અને તેમાં ૧૨ ટકાના હિસાબે કટકી ચૂકવવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે ઓગસ્તા વેસ્ટલેન્ડે સંજીવ ત્યાગી સહિતના ત્યાગીના સંબંધીઓ અને વચેટિયાઓ દ્વારા ગેરકાયદે વેન્ડરો સ્વીકાર્યા હતા. મે ૨૦૧૬માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી)એ ત્યાગીની પૂછપરછ કરી હતી.
૨૦૦૭માં નિવૃત્ત થયેલા ત્યાગીની સીબીઆઈ દ્વારા અવારનવાર પૂછપરછ કરાઈ હતી. ૧૨ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ ભારત સરકારે ઓગસ્તા વેસ્ટલેન્ડ સાથેનો આ સોદો રદ કરી નાખ્યો હતો. ૨૦૧૩માં સીબીઆઈએ ત્યાગી અને તેમના ૩ પિતરાઈ સહિત અન્ય ૧૨ સામે કેસ નોંધ્યો હતો.
સીબીઆઈએ આરોપ મૂક્યો હતો કે, ભારત અને વિદેશમાં કાર્યરત કંપનીઓ દ્વારા લાંચની રકમ ચૂકવવામાં આવી હતી. આ કેસમાં બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલ, ગ્વિડો હશ્કે અને કાર્લો ગેરોસા નામના વચેટિયાની સંડોવણી બહાર આવી હતી. ક્રિશ્ચિયન મિશેલ અને ગ્વિડો હશ્કેએ બનાવટી નામે કંપનીઓ ઉભી કરીને ત્યાગી અને સહયોગીઓને લાંચની રકમ પહોંચાડી હોવાનો આરોપ ઈટલીની કોર્ટમાં સાબિત થઈ ચૂક્યો છે.
ઓગસ્તા વેસ્ટલેન્ડ કેસ શું છે?
ડો. મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારની પ્રથમ મુદત દરમિયાન ઓગસ્તા વેસ્ટલેન્ડ કંપની સાથે વીવીઆઈપી માટે ૧૨ હેલિકોપ્ટર ખરીદવાનો સોદો થયો હતો. સોદા અંતર્ગત મેળવવામાં આવેલા ૩ હેલિકોપ્ટર અત્યારે પણ દિલ્હીનાં પાલમ એરબેઝ પર છે. રૂ. ૩,૭૬૭ કરોડના આ સોદામાં ૧૨ ટકા કટકી ચૂકવાયાની વાત બહાર આવી જતાં ૨૦૧૪માં યુપીએ સરકારે આ સોદો રદ કર્યો હતો. આ પછી હવાઇ સેનાના ભૂતપૂર્વ વડા ત્યાગી સહિત ૧૩ લોકો સામે કેસ દાખલ કરાયો હતો. જે મિટિંગમાં સોદો કરાયો તેમાં યુપીએના કેટલાક પ્રધાન હાજર હોવાથી સોદામાં કોંગ્રેસની ભૂમિકા અંગે પણ સવાલો ઊઠયા હતા.
ત્યાગી ઇટલી કોર્ટમાં દોષિત
ઇટલીમાં પણ ઓગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટ સોદામાં અપાયેલી કટકી અંગે સ્વતંત્ર તપાસ હાથ ધરાઇ હતી. જેમાં મળેલા પુરાવાઓને આધારે કાનૂની કાર્યવાહી હાથ ધરાઇ હતી. કેસની સુનાવણી બાદ મિલાન કોર્ટે તેના ચુકાદામાં ત્યાગી ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનું ઠરાવ્યું હતું. કોર્ટે ઓગસ્તા વેસ્ટલેન્ડના વડા જી. ઓરસીને દોષિત ઠેરવીને સાડા ચાર વર્ષ કેદની સજા ફટકારી હતી. કોર્ટના ૨૨૫ પાનાના ચુકાદામાંથી ૧૭ પાનામાં ત્યાગીની ભૂમિકા વર્ણવવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે ઓગસ્તા વેસ્ટલેન્ડને કોન્ટ્રાક્ટ અપાવવામાં ત્યાગીએ મદદ કરી હતી.
ત્યાગીનું કોડનેમ ‘ખૂબસૂરત કન્યા’
હેલિકોપ્ટર સોદામાં વચેટિયાઓએ ત્યાગી માટે ‘ગિઉલી’ કોડનેમ બનાવ્યું હતું. ઇટલીમાં સુંદર કન્યા માટે ‘ગિઉલી’ શબ્દ માટે વાપરવામાં આવે છે. વચેટિયા અને ત્યાગી વચ્ચેની વાતચીતની ટેપમાંથી આ અંગે ખુલાસો થયો હતો. ગુઇડો હશ્કે અને કાર્લો ગેરોસા ત્યાગીનો ઉલ્લેખ ‘ગિઉલી’ તરીકે કરતા હતા. માર્ચ ૨૦૧૨માં ત્યાગી અને વચેટિયા વચ્ચે મિલાનમાં મુલાકાત થઇ હતી.