ઓછો સામાન, તો વિમાનની ટિકિટ પણ સસ્તી

Monday 01st June 2015 08:45 EDT
 
 

નવી દિલ્હીઃ વિમાનમાં ઓછો સામાન લઇ જતા પ્રવાસીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. આવા પ્રવાસીઓ જો મુસાફરી વખતે પોતાની સાથે ઓછો સામાન રાખશે તો તેમને વિમાનની ટિકિટનો ખર્ચ પણ ઓછો કરવો પડશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને (ડીજીસીએ) ઓછા સામાન સાથે પ્રવાસ કરનારા મુસાફરો પાસેથી ઓછું ભાડું લેવાની મંજૂરી આપવા માટે એરલાઈન્સ કંપનીઓ પાસેથી તેમના મંતવ્યો માગ્યા છે. ઈન્ડિગો અને એરએશિયા જેવી કંપનીઓ લાંબા સમયથી આ સુવિધાની માગ કરી રહી છે. ઉપરાંત સ્પાઈસ જેટ એરલાઈન્સે તો આ સ્કીમની શરૂઆત પણ કરી છે. થોડા સમય પહેલા એરએશિયાએ કહ્યું હતું કે જો ડીજીસીએ ફ્રી ચેકઈન લગેજ ના હોવાની મંજૂરી આપે તો એરલાઈન્સ પોતાનું ભાડું પાંચથી સાત ટકા ઓછું કરવા તૈયાર છે. એરએશિયાના સીઈઓ મિતુ શાંડિલ્યએ કહ્યું હતું કે, જો કોઈ મુસાફર ૧૫ કિલો સુધીનો સામાન લઈને ચેકઈન કરે તો તેને રૂ. ૨૫૦નો ચાર્જ ચૂકવવો પડશે.

૭ કિલોથી ઓછા સામાન પર ૧૦%નું ડિસ્કાઉન્ટ

ઈન્ડિગોએ સિવિલ એવિયેશનને બે પ્રકારના ભાડાંની મંજુરી આપવા માટે જણાવ્યું છે. જેમાં એક નિયમિત ભાડું હશે જેમાં પ્રવાસીઓને ૧૫ કિલો સામાન સાથે ચેકઈન કરવા પર કોઈ વધારાનો ચાર્જ નહીં લાગે. આ નિયમ અત્યારે અમલમાં છે. ઉપરાંત જે મુસાફરો સાત કિલોથી ઓછો સામાન લઈને પ્રવાસ કરે તો તેમના માટે એરલાઈન્સ કંપનીઓએ ૧૦ ટકા ઓછું ભાડું લેવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ઈન્ડિગોએ જણાવ્યું છે કે કુલ ભાડું રૂ. ૪,૦૦૦ હજાર હોવાની સ્થિતિમાં ભાડુ રૂ. ૨૦૦થી ૪૦૦ ઓછું કરવા અને કુલ ભાડુ રૂ. ૬ હજારની સ્થિતિમાં હોય તો રૂ. ૬૦૦ ઓછા કરવામાં આવે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter