ઓપરેશન બ્લૂ સ્ટારની વરસીએ સુવર્ણમંદિરમાં અથડામણ

Tuesday 09th June 2015 13:54 EDT
 

ઓપરેશન બ્લૂ સ્ટારની વરસી પર અમૃતસરના સુવર્ણમંદિરમાં બે શીખ જૂથો વચ્ચે સોમવારે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ૧૨ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ મંદિરમાં ઓપરેશનનાં ૩૦ વર્ષ પૂર્ણ થયા હોવાના કાર્યક્રમ દરમિયાન ખાલિસ્તાનના સમર્થક અને તેના વિરોધીઓ ઉપસ્થિત હતા. આ અથડામણ માટે ખાલિસ્તાનના સમર્થકોએ કરેલા સૂત્રોચ્ચારને જવાબદાર ગણાય છે. ખાલિસ્તાની સમર્થક અને વિરોધીઓનું જૂથ સુવર્ણમંદિરના પરિસરમાં પહોંચ્યું હતું. ત્યાં ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ જેવા નારાઓ લગાવ્યા બાદ મામલો હિંસક બન્યો હતો જેમાં સમર્થકો અને વિરોધીઓએ એક બીજા પર તલવાર, લાઠી અને કટારીથી હુમલો કર્યો હતો, જોકે, પોલીસ તુરંત જ સ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી.

ઓપરેશન બ્લૂ સ્ટાર શું છે ?

ખાલિસ્તાની અલગતાવાદીઓ વિરુદ્ધ ૩થી ૮ જૂન ૧૯૮૪ દરમિયાન અમૃતસરના સુવર્ણમંદિરમાં ઓપરેશન બ્લૂ સ્ટારને લોન્ચ કરાયું હતું, જેમાં ખાલિસ્તાની અલગતાવાદી નેતા જરનૈલસિંહ ભીંડરાનવાલેને ઠાર કરાયા હતા. આ ઓપરેશનમાં સુવર્ણ મંદિરમાં ખૂબ નુકસાન પહોંચતાં શીખોની લાગણીઓ દુભાઈ હતી. દર વર્ષે અહીં તેની વરસીની ઊંજવાય છે.

બે વિમાનના ટોઇલેટમાંથી રૂ. ૨.૫૯ કરોડનું સોનું મળ્યુંઃ મુંબઈ અને બેંગલોરના આંતરરાષ્ટ્રીય વિમાની મથકોએ ૬ જૂને અધિકારીઓને રૂ. ૨.૫૯ કરોડનું સોનું મળ્યું હતું. સોનું વિમાનના ટોઇલેટમાં છૂપાવ્યું હતું. મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાની મથકે કસ્ટમ અધિકારીઓએ જેટ એરવેઝના વિમાનના બે શૌચાલયમાંથી રૂ.૧.૯૯ કરોડનું સોનું કબ્જે કર્યું હતું. કુલ આઠ કિલો સોનું ઝડપાયું હતું. મસ્કતથી મુંબઈ પહોંચેલા વિમાનના શૌચાલયમાંથી આ સોનું ઝડપાયું હતું.

જયલલિતાની સંપત્તિ ચાર વર્ષમાં બમણી થઇઃ તમિળનાડુનાં મુખ્ય પ્રધાન અને અન્નાદ્રમુકના વડા જયલલિતાની સંપત્તિ ચાર વર્ષમાં બમણી થઈ છે. અત્યારે તેમની સંપત્તિ રૂ. ૧૧૭.૧૩ કરોડ છે, જે વર્ષ ૨૦૧૧માં રૂ. ૫૧.૫૪ કરોડ હતી. તેમણે વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્ર દાખલ કરવા દરમિયાન સોંગદનામામાં પોતાની સંપત્તિની વિગતો આપી છે.

૫૦ વર્ષે પણ ગંગા સાફ નહીં થાયઃ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ ગંગા નદીની સફાઈ માટે ભાજપની જ સરકાર દ્વારા આયોજિત ‘નમામી ગંગે’ અભિયાન સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ જે પ્રકારે આગળ વધી રહ્યો છે તે જોતા આવતાં ૫૦ વર્ષમાં પણ ગંગાની સફાઈ થાય તેવી શક્યતા નથી.

ભાજપને રોકવા હું ઝેર પીવા તૈયાર છુંઃ બિહારમાં જનતા દળ(યુ)-રાષ્ટ્રિય જનતા દળ વચ્ચે ચૂંટણી જોડાણનો માર્ગ નક્કી થઈ ચૂક્યો છે. જોડાણ માટે સૌથી મોટા પ્રશ્ન અર્થાત મુખ્ય પ્રધાનપદના ઉમેદવારનો પ્રશ્ન પણ ઉકેલાયો છે. નવા રચાયેલા જનતા પરિવારના વડા બનેલા મુલાયમસિંહે સોમવારે જણાવ્યું હતું કે જનતા પરિવારના બિહારના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર નીતિશકુમાર જ રહેશે. મુલાયમસિંહે જણાવ્યું કે નીતિશના નેતૃત્વમાં ચૂંટણી લડવા લાલુપ્રસાદને પણ કાંઈ વાંધો નથી. ભાજપ જેવા સાંપ્રદાયિક પક્ષ સામે લડવાનો તેઓ ઇતિહાસ ધરાવે છે. અયોધ્યા વિવાદથી માંડીને આજ સુધી તેઓ આ તાકાતો સામે લડતા રહ્યા છે. તે પછી લાલુ પ્રસાદે પણ જણાવ્યું કે સાંપ્રદાયિક તાકાતોને શિકસ્ત આપવા કોઈ પણ પ્રકારનું ઝેર પીવા તૈયાર છું. અમે ભાજપના રથને રોક્યો હતો. તેની સજા આજ સુધી ભોગવી રહ્યા છીએ. બધા નેતાઓએ કહ્યું કે બિહારમાં ધર્મનિરપેક્ષ તાકતોનો વિજય થશે. અગાઉ જનતા દળ અને રાજદ વચ્ચે બિહારમાં સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડવા માટે સંમતિ સધાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter