આમિર ખાનના પ્રોડક્શન બેનરમાં બનેલી અને પિતૃસત્તા પર હળવી શૈલીમાં વ્યંગ કરતી ફિલ્મ ‘લાપતા લેડિઝ’ ઓસ્કરમાં ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે ઓસ્કરમાં રજૂ થશે. બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ કેટેગરીમાં ‘લાપતા લેડિઝ’ ભારતનું પ્રતિનિધિત્વ કરશે તેવી જાહેરાત ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરાઇ છે. બોલિવૂડ હિટ ‘એનિમલ’, મલયાલમ નેશનલ એવોર્ડ વિનર ‘આત્તમ’ અને કાન્સવિનર ‘ઓલ વી ઈમેજિન એઝ લાઈટ’, તમિલ ફિલ્મ ‘મહારાજા’, ‘આર્ટિકલ 370’ અને ‘કલ્કી 2898 એડી’ સહિત 29 ફિલ્મોની યાદીમાંથી ‘લાપતા લેડિઝ’ પર પસંદગીનો કળશ ઢોળાયો છે. લગ્નની રાત્રે ટ્રેન મુસાફરીમાં બે નવોઢાની અદલાબદલી થઇ ગયા બાદ તે બંનેની જિંદગીમાં કેવી ઘટનાઓ બને છે અને તેની પૃષ્ઠભૂમિ શું હોય છે તે ‘લાપતા લેડિઝ’માં લાગણીસભર રીતે દર્શાવાયું છે. ફિલ્મનાં પ્રોડ્યૂસર-ડિરેક્ટર કિરણ રાવે જણાવ્યું હતું કે 97મા એકેડમી એવોર્ડ્સમાં ‘લાપતા લેડિઝ’ ભારતનું પ્રતિનિધિત્વ કરશે તે જાણીને તેને ઘણો આનંદ થયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લે 2002માં આમિર ખાન અભિનિત ‘લગાન’ ઓસ્કરમાં બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરીમાં ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે સિલેક્ટ થઇ હતી. ત્યાર બાદ એકેય ભારતીય ફિલ્મ આ કેટેગરીમાં નોમિનેટ થઇ નથી.