લંડનઃ ગ્રેજ્યુએટ ફિલ્મનિર્માતા નિશાદ ચૌગુલેને ભારતમાં બ્રિટિશ કાઉન્સિલ દ્વારા યોજાયેલા પ્રતિષ્ઠિત ‘એજ્યુકેશન યુકે એલમ્ની એવોર્ડસ’માં પ્રોફેશનલ એચીવમેન્ટ કેટેગરીમાં ‘એલુમ્ની ઓફ ધ યર’ એવોર્ડ એનાયત થયો હતો. એમએ ફિલ્મમેકિંગના અભ્યાસમાં ૨૦૧૩માં સ્નાતક થયેલા નિશાદને નવી દિલ્હીમાં શાનદાર સમારોહમાં લંડનના મેયર અને બેરોનેસ આમોસના હસ્તે એવોર્ડ અપાયો હતો.
આ એવોર્ડ માટેની સ્પર્ધામાં સેંકડો અરજી આવી હતી. તેમાં યુનિવર્સિટી ઓફ કેમ્બ્રીજ અને યુનિવર્સિટી ઓફ કાર્ડિફના બે ઉમેદવારોની અરજી પણ શોર્ટલિસ્ટ થઈ હતી. પૂણેના સ્વતંત્ર ફિલ્મમેકર અને નિર્માતા નિશાદે અભ્યાસ દરમ્યાન બનાવેલી ફિલ્મને ૨૦૧૪માં સ્ટુડન્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરીમાં એકેડમી એવોર્ડ (સ્ટુડન્ટ ઓસ્કાર) મળ્યો હતો. લીડ્ઝ યુનિવર્સિટીમાં નિશાદે અન્ય વિદ્યાર્થીઓ સાથે શોર્ટ ફિલ્મ ‘બોર્ડર પેટ્રોલ’ બનાવી હતી. જર્મનીમાં શુટિંગ કરાયેલી ફિલ્મમાં બે જર્મન બોર્ડર ફોર્સ અધિકારીઓની કથા છે, જેમને જર્મનીની ઓસ્ટ્રિયન સરહદે જંગલમાં લટકતો મૃતદેહ મળે છે.
એવોર્ડ સ્વીકારતા નિશાદે જણાવ્યું હતું કે યુકેમાં મળેલા શિક્ષણે તેને જીવન જીવવાની કલા આપી છે. યુનિવર્સિટીના મિત્રો અને સંપર્કોએ તેના મનને ખુલ્લું બનાવવા સાથે વધુ સારા સ્ટોરીટેલર અને ફિલ્મનિર્માતા બનવામાં મદદ કરી છે. તેણે લીડ્ઝ બેકેટ યનિવર્સિટીના ટ્યુટરોનો આભાર માન્યો હતો.