કડક સુરક્ષા વચ્ચે કન્હૈયા જેલમાંથી બહાર

Friday 04th March 2016 02:57 EST
 
 

રાષ્ટ્રદ્રોહના આરોપસર ધરપકડ કરાયેલા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ કન્હૈયા કુમારને તિહાર જેલમાંથી કાયદાકીય શરતોને આધીન ત્રીજી માર્ચે મુક્ત કરાયો છે. દિલ્હી હાઈ કોર્ટે તેને શરતોને આધીન વચગાળાના જામીન આપ્યા હતાં. જેએનયુ ફેકલ્ટી પ્રોફેસર એસ. એન. મલાકર કન્હૈયાના જામીન તરીકે હાજર રહ્યા હતા. કન્હૈયાની મુક્તિ વખતે જેએનયુ વિદ્યાર્થી સંગઠનના તમામ કાર્યકરો કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તિહાર જેલની બહાર ઊભા હતા. કન્હૈયાના બહાર આવતાંની સાથે જ કાર્યકરોએ ઊજવણી કરી હતી. કન્હૈયાની મુક્તિને પગલે જેએનયુ કેમ્પસમાં સુરક્ષા પણ વધારી દેવાયા છે.

હું મારી વાર્તા જાતે જ લખીશઃ કન્હૈયા

જેલમાંથી મુક્ત થયા પછી જેએનયુના વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ કન્હૈયા કુમારે જણાવ્યું હતું કે, મને મીડિયા ટ્રાયલનો શિકાર બનાવાયો છે. હું મારી વાર્તા જાતે લખીશ. મેં જેલમાં જ લખવાનું શરૂ કરી દીધું હતું. હું સતત ટીવી અને અખબારોમાં આવતા મારા સંબંધિત સમાચારો પર નજર રાખતો હતો. મેં કંઈ પણ રાષ્ટ્રવિરોધી કર્યું નથી. મને વિશ્વાસ છે કે સત્યનો વિજય થશે. સાચા તથ્યો ધીમે ધીમે સામે આવી રહ્યાં છે. હું લાંબી લડાઈ માટે તૈયાર છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter