અમદાવાદઃ આઇપીઓના કદમાં ઘટાડો કરાયો હોવા છતાં પણ લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી) દ્વારા ચોથી મેના રોજ રજૂ થનારો આઇપીઓ દેશનો સૌથી મોટો આઇપીઓ હશે. આ આઇપીઓ થકી એલઆઇસી રૂા. 21,000 કરોડનું જંગી ભંડોળ ઉભું કરશે. આ શેરોનું તા. ૧૭ મેના રોજ લિસ્ટિંગ થશે.
એલઆઇસીના આઇપીઓ માટેની કાર્યવાહી હાથ ધરાઈ ત્યારે આ આઇપીઓ થકી રૂા. ૮૦,૦૦૦ કરોડ આસપાસ ભંડોળ ઉભું કરવાની યોજના હતી, પરંતુ સ્થાનિક અને વૈશ્વિક સ્તરની પ્રતિકૂળતા પાછળ શેરબજારમાં અસ્થિરતાનો માહોલ ઉદ્ભવતા આઇપીઓની રજૂઆત પાછી ઠેલાઈ હતી. સાથે સાથે જ તેના કદમાં ઘટાડો કરાતા હવે તે રૂ. 21,000 કરોડનું ભંડોળ ઉભું કરશે.
ઇતિહાસ રચાશે
આ સાથે એલઆઇસી દેશમાં આઇપીઓ થકી સૌથી વધુ ભંડોળ ઉભું કરવાનો વિક્રમ પણ રચશે. અગાઉ પેટીએમના નામે આ વિક્રમ હતો. તેણે આઇપીઓ થકી રૂ. 18,300 કરોડ ઉભા કર્યા હતા.
વિશ્વમાં 11મા ક્રમે
વૈશ્વિક સ્તરે ઇન્સ્યુરન્સ ક્ષેત્રમાં મોટા કદની આઇપીઓ લાવનાર કંપનીઓમાં એલઆઇસી 11મા ક્રમે આવે છે. વીમા ક્ષેત્રે હોંગ કોંગ સ્થિત એઆઇએ ગ્રૂપ દ્વારા આઇપીઓ થકી 20.39 બિલિયન ડોલર એકત્ર કરવા સાથે પ્રથમ ક્રમે આવે છે. 2022ના નાણાં વર્ષના પ્રથમ નવ માસમાં એલઆઇસીની વેલ્યુ રૂ. 5.397 લાખ કરોડ રહી હતી. જે મ્યુચ્યુલ ફંડ ઇન્ડસ્ટ્રીની એયુએમ (એસેટ અંડર મેનેજમેન્ટ) કરતાં પણ ૧.૧ ગણી વધુ છે.
દેશમાં સૌથી મોટા IPO
કંપની મહિનો - વર્ષ ભંડોળ (કરોડમાં)
એલઆઇસી મે 2022 રૂ. 21,000
પેટીએમ ઓક્ટો. 2021 રૂ. 18,300
કોલ ઇન્ડિયા મે 2010 રૂ. 15,475
રિલા. પાવર જાન્યુ 2008 રૂ. 11,700
જનરલ ઇન્સ્યુ ઓગ 2017 રૂ. 11,373
એસબીઆઈ કાર્ડ ફેબ્રુ 2020 રૂ. 10,355