મુંબઈઃ હરિયાણામાં અનામતની માગણી માટે હિંસક બનેલા જાટ આંદોલનના પડઘા મહારાષ્ટ્રમાં પણ પડે એવી શક્યતા છે. અનામત માટે રસ્તા પર ઊતરતી જાતિઓની યાદીમાં હવે લિંગાયત સમાજનો પણ ઉમેરો થયો છે. મરાઠા અને ધનગર સમાજે તો પહેલેથી જ અનામત માટે આક્રમક વલણ અપનાવ્યું છે, એ પૈકી મરાઠી સમાજને રાજ્ય સરકારે અનામત આપવાની વાતે ટેકો આપ્યો હતો, પરંતુ એ કાયદાની આંટીઘૂંટીમાં અટવાઈ જતાં મરાઠાઓ અસ્વસ્થ છે.
રાજસ્થાનમાં ગુર્જરો, ગુજરાતમાં પાટીદારો અને હરિયાણામાં જાટ સમાજ અનામતની માગણી માટે રસ્તા પર ઊતર્યો છે. આ ત્રણેય રાજ્યોમાં અનામત માટે પહેલેથી હિંસક આંદોલનો ચાલે છે ત્યારે મહારાષ્ટ્રમાં પણ લિંગાયત સમાજ અનામત લેવા માટે લાઈનમાં ઊભી થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં મરાઠા, મુસ્લિમ, ધનગર અને હવે લિંગાયત સમાજે આરક્ષણની માગ કરી છે. પૂર્વેની કોંગ્રેસ-એનસીપીની સરકારે મતને નજર સમક્ષ રાખીને મરાઠા અને મુસ્લિમો માટે અનામત જાહેર કરી હતી, પરંતુ બોમ્બે હાઈ કોર્ટે એ નિર્ણય પર સ્ટે આપ્યો છે. કોર્ટે સાફ કહી દીધું છે કે, કાયદાની કસોટી પર અનામતનો આ નિર્ણય ટકી શકે એમ નથી. મહારાષ્ટ્રમાં બાવન ટકા અનામત અગાઉથી છે જ. એમાં મરાઠા માટે ૧૬ ટકા અને મુસ્લિમો માટે ૫ ટકા અનામતનોય ઉમેરો થાય તો અનામતની ટકાવારી ૭૩ ટકા સુધી પહોંચી જાય. જે સુપ્રીમ કોર્ટે નક્કી કરેલા બાવન ટકાના માપદંડથી વધી જાય. એ સંજોગોમાં હાલમાં અહીં અનામત માટેની કોઈ માગ પૂરી કરી શકાય એમ જ નથી.