નવી દિલ્હીઃ વિદેશમાં કાળું નાણું ધરાવનારાઓને રોકવાના મુદ્દે સરકાર-વિપક્ષ વચ્ચે એક મત છે. આવા લોકો સામે સખત કાર્યવાહી કરવા માટે લાવવામાં આવેલું બિલ ૧૩ મેએ રાજ્યસભામાં પણ પસાર થયું છે. લોકસભામાં આ બિલ અગાઉ જ પસાર થયું છે. હવે માત્ર રાષ્ટ્રપતિની મંજૂરી બાકી છે. પછી નવો કાયદો અમલમાં આવશે ત્યારે કાળું નાણું ધરાવનારાઓને ૧૦ વર્ષ સુધીની જેલ અને ૧૨૦ ટકા સુધી દંડ વસુલ કરી શકાશે.
બિલની સૌથી મહત્ત્વપૂર્ણ જોગવાઈ
• વિદેશમાં જમા સંપત્તિની જાહેરાત કરો. પછી ૩૦ ટકા ટેક્સ અને ૩૦ ટકા દંડ (કુલ ૮૦ ટકા) જમા કરાવો. નક્કી સમયમર્યાદાની અંદર જાહેરાત કરી શકાય છે. તે મુદત ક્યાં સુધી રહેશે તે અંગે સરકાર જલદી જ વટહુકમ બહાર પાડશે.
• સમયમર્યાદા પૂરી થયા બાદ વિદેશમાં અઘોષિત સંપત્તિ પકડાશે તો ૩૦ ટકા ટેક્સ, ૯૦ ટકા દંડ (કુલ ૧૨૦ ટકા) થશે. ક્રિમિનલ કેસ ચાલશે અને ૧૦ વર્ષ સુધીની જેલ થશે.
• બીજીવાર ગુનો કરનારા પર ૩થી ૧૦ વર્ષ સુધીની કે સાથે રૂ. ૨૫ લાખથી એક કરોડ જેટલો દંડ ફટકારાશે.
• તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયન અને ડાબેરી નેતા સીતારામ યેચુરીએ જણાવ્યું કે કોઈ સંપત્તિને બ્લેકમની કહેવું વંશીય ટિપ્પણી છે. તેને ‘ડર્ટી મની’ કહેવું જોઈએ. ગૃહએ તેને નામંજૂર કર્યું હતું.